કુદરત સાથે જોડાણ અને આરોગ્ય જાગૃતિ માટે બોડેલીના નવા ટીંબરવા (ફેણાઈ માતા) ખાતે નેચર ટ્રેલ રન યોજાયો



નેચર ટ્રેલ રન માટે હેરણ નદીથી હેદનાથ મહાદેવ મંદિર સુધીના કુદરતી સૌંદર્યસભર માર્ગ પર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુલાબી ઠંડી વચ્ચે યોજાયેલી આ દોડ દરમિયાન દોડવીરોને કુદરતના સાનિધ્યમાં અનોખો અને ઉત્સાહજનક અનુભવ પ્રાપ્ત થયો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ગાર્ગી જૈને જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્ર દ્વારા લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ આરોગ્ય પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા માટે નેચર ટ્રેલ રનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, તા. 8 ફેબ્રુઆરીના રોજ બોડેલી ખાતે યોજાનાર મેરેથોન દોડમાં વધુમાં વધુ લોકો નોંધણી કરી ભાગ લે તે માટે સૌને આહ્વાન કર્યું હતું.
આ નેચર ટ્રેલ રનમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી કલ્પેશકુમાર શર્મા, પોલીસ અધિક્ષકશ્રી ઇમ્તિયાઝ શેખ, મદદનીશ કલેક્ટરશ્રી મુસ્કાન ડાગર, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી હર્ષ શર્મા, બોડેલી તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી શીતલકુંવરબા મહારાઉલ સહિત જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર તોસીફ ખત્રી




