
તા.૨૦.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ કોર્ટમાં ફરજ દરમિયાન આશાસ્પદ મહિલા વકીલનું હાર્ટ એટેકથી કરુણ અવસાન
કોર્ટ રૂમમાં અચાનક ઢળી પડ્યા; તાત્કાલિક સારવાર છતાં બચાવી ન શકાય — વકીલ મંડળમાં શોકની લાગણી દાહોદ જિલ્લાની ઝાલોદ કોર્ટમાં ફરજ બજાવી રહેલી એક યુવાન અને આશાસ્પદ મહિલા વકીલનું હાર્ટ એટેક આવતા કરુણ અવસાન થતા સમગ્ર વકીલ મંડળ અને શહેરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.પ્રાપ્ત વિગતો અનુસાર ઝાલોદ કોર્ટમાં પ્રેક્ટિસ કરતા મહિલા વકીલ વૈશાલીબેન વિનોદભાઈ હઠીલા, રહેવાસી ગામ રળિયાતિભૂરા, ઉંમર આશરે ૨૨ થી ૨૪ વર્ષ, આજે સવારે અંદાજે ૧૧:૩૦ વાગ્યાના સમયે કોર્ટ રૂમમાં પોતાની કામગીરી માટે ઉભા હતા. તે દરમિયાન અચાનક ચક્કર આવતા તેઓ કોર્ટ રૂમમાં જ ઢળી પડ્યા હતા.ઘટનાસ્થળે હાજર અન્ય વકીલોએ તાત્કાલિક પ્રાથમિક સારવારરૂપે હાર્ટ પંપિંગ સહિતના પ્રયત્નો કર્યા હતા. ત્યારબાદ ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને તરત જ રાધિકા હોસ્પિટલ, ઝાલોદ ખાતે લઈ જવામાં આવ્યા હતા. હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા દાહોદ લઈ જવા માટે રવાના થયેલ હતા પરંતુ વધુ સારવાર મળે તે પહેલાં 108 ના હાજર ડોક્ટર દ્વારા મહિલાને મૃત જાહેર કરેલ હતા ઉલ્લેખનીય છે કે વૈશાલીબેનને માત્ર ચારથી પાંચ મહિના અગાઉ જ વકીલ તરીકે સનદ પ્રાપ્ત થઈ હતી અને તેમણે પોતાની વકીલાતની કારકિર્દીની શરૂઆત ઝાલોદ કોર્ટથી જ કરી હતી. ટૂંકા ગાળામાં જ તેઓ એક આશાસ્પદ અને મહેનતી મહિલા વકીલ તરીકે ઓળખ મેળવતા હતા.જાણવા મળ્યા મુજબ વૈશાલીબેનના માતા-પિતા મજૂરી કામ કરી પોતાની દીકરીને લાડકોડથી મોટી કરી, સારું શિક્ષણ અપાવીને તેને વકીલ બનાવવાની સપના સાકાર કરી હતી. દુર્ભાગ્યવશ, ઘટનાના સમયે તેમના માતા-પિતા બહારગામ મજૂરી અર્થે ગયેલા હતા. પરિવારની આશાસ્પદ દીકરીનું અચાનક અને અકાળે અવસાન થતા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.આ યુવાન મહિલા વકીલના અવસાનથી ઝાલોદ કોર્ટના વકીલ મંડળમાં પણ ઘેરું શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. ઉજ્જવળ કારકિર્દી તરફ આગળ વધી રહેલી મહિલા વકીલનું આ રીતે અચાનક અવસાન થતાં દરેકની આંખો ભીની થઈ ગઈ હતી.





