
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સાયબર ગુનાખોરી નાબૂદ કરવા માટે ડાંગ જિલ્લા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન મ્યુલ હંટ” અંતર્ગત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી છે.ડાંગ સાઈબર પોલીસ મથકનાં પી.આઈ.એમ.જી.ઢોડીયા અને પી.એસ.આઈ.બી.પી.પટેલે મહારાષ્ટ્રના અકોલા ખાતેથી એક એવા આરોપીની ધરપકડ કરી છે, જેનું બેંક એકાઉન્ટ દેશભરમાં આચરવામાં આવેલા અનેક સાયબર ફ્રોડમાં વપરાયું હોવાનું બહાર આવ્યું છે.ભારત સરકારના I4C (Indian Cyber Crime Coordination Centre) દ્વારા મળેલી માહિતી મુજબ, આરોપીના બેંક એકાઉન્ટનો ઉપયોગ છેતરપિંડીના નાણાં ટ્રાન્સફર કરવા માટે ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે થતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ સાઈબર પી.આઈ.એમ.જી.ઢોડીયા અને પી.એસ.આઈ.બી.પી.પટેલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.ટેકનિકલ એનાલિસિસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે પકડાયેલા આરોપી વિરુદ્ધ દેશના અલગ-અલગ ૧૩ રાજ્યોમાં કુલ ૩૫ ફરિયાદો નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCRP) પર નોંધાયેલી છે. જેમાં સૌથી વધુ કર્ણાટકમાં ૮ અને ગુજરાતમાં ૫ અરજીઓ સામેલ છે.રાજ્યવાર ફરિયાદોની વિગતની વાત કરીએ તો કર્ણાટક: ૦૮,ગુજરાત: ૦૫,મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ: ૦૪ – ૦૪,રાજસ્થાન: ૦૩, તેલંગાણા, બિહાર અને દિલ્હી: ૦૨ – ૦૨,છત્તીસગઢ, ઓડિશા, તમિલનાડુ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં ૧-૧ ફરિયાદ નોંધાયેલ છે.ધરપકડ કરાયેલા આરોપીનું નામ અજુન્કીયા રમેશભાઈ વાનખડે (રહે. પંચશીલ નગર, વાસીમ બાયપાસ રોડ, અકોલા, મહારાષ્ટ્ર) હોવાનું જાણવા મળ્યું છે. તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ ૩૧૮(૪) તથા આઈ.ટી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે…





