BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ જન શિક્ષણ સંસ્થાન ખાતે ‘PM વિશ્વકર્મા જાગૃતિ કાર્યક્રમ’ સંપન્ન: પરંપરાગત કારીગરોને આધુનિક ઉદ્યોગ સાહસિક બનવા આહવાન

સમીર પટેલ, ભરૂચ

 

​ભરૂચ: ભારત સરકારનાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય (MSME) દ્વારા ભરૂચની જન શિક્ષણ સંસ્થાન (JSS) ખાતે ‘PM વિશ્વકર્મા જાગૃતિ કાર્યક્રમ’નું વિશેષ આયોજન યુગ શક્તિ સંસથાના માધ્યમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના નિયામક શ્રી ઝયનુલ સૈયદ અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પરંપરાગત કારીગરોને સરકારની કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
​કાર્યક્રમની રૂપરેખા અને મહાનુભાવોનું ઉદબોધન
કાર્યક્રમનાં પ્રારંભમાં યુગ શક્તિ સંસ્થા દ્વારા તમામ મહેમાનો અને લાભાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે સ્થાનિક કલાકારો અને કારીગરોને કૌશલ્ય વર્ધન દ્વારા આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં MSME-DFO અમદાવાદના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી બ્રિજેશ કુમાર સ્વર્ણકાર, CED ગાંધીનગરના સુરત રિજિયનના STO શ્રી અવનિશ હિરપરા અને LDM ભરૂચના ચીફ મેનેજર શ્રી અનૂપ કુમાર જ્યોતિષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ટેકનિકલ સત્ર દરમિયાન તજજ્ઞો દ્વારા વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી
CED ગાંધીનગરના સુરત રિજિયનના STO શ્રી અવનિશ હિરપરાએ લાભાર્થીઓને ઉદ્યોગ સાહસિકતા અંગે ઉદ્યમ રજિસ્ટ્રેશન તેમજ માલના વેચાણ ડિઝાઇન લેબલિંગ વગેરેની વિસ્તૃત છણાવટ કરી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના પ્રતિનિધિઓ દ્વારા MSME અને ગુજરાત સરકારની ઉદ્યોગ સાહસિકો માટેની યોજનાઓ વિશે વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું. શ્રી અવનીશ હીરપરાએ આજનાં ડિજિટલ યુગમાં પ્રોડક્ટનું પેકેજિંગ, લેબલિંગ અને ઈ-કોમર્સ દ્વારા ઓનલાઇન વેચાણ કઈ રીતે વધારી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી અનૂપ કુમાર જ્યોતિષીએ PM વિશ્વકર્મા યોજના હેઠળ મળવાપાત્ર લોન, તેની મંજૂરીની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો અંગેની મુંઝવણો દૂર કરી હતી. PM વિશ્વકર્મા યોજના દ્વારા સુથાર, લુહાર, કુંભાર અને દરજી જેવા ૧૮ પ્રકારનાં પરંપરાગત વ્યવસાયો સાથે જોડાયેલા શ્રમિકોને તાલીમ, સાધન સહાય અને સસ્તી લોન આપીને તેમના જીવનધોરણને ઊંચું લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હાજર રહીને સરકારની યોજનાઓનો લાભ લેવા ઉત્સાહ દાખવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને વ્યવસ્થા યુગ શક્તિ અને JSS ભરૂચની ટીમ દ્વારા સુચારુ રીતે કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!