શહેરામાં ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા એક માસના ‘મેદસ્વિતા મુક્ત કેમ્પ’નો ભવ્ય પ્રારંભ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
શહેરા: પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ એક માસના વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સિંધી સમાજ હોલ ખાતે તારીખ ૨૦/૦૧/૨૬ થી ૨૦/૦૨/૨૬ સુધી ચાલનારા આ મેદસ્વિતા મુક્ત કેમ્પ-૩ ના ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ રચનાબેન શાહ, સિંધી સમાજ પ્રમુખ રૂપચંદભાઈ સેવકાણી, રમેશભાઈ દયારામણી, જીવદયા સંસ્થાનના સચિવ, સેવાધામ હોસ્પિટલના પ્રતિનિધિઓ, શ્રીમતી વનીશા ઠાકુર અને શ્રી ગુરુ નાનક દરબારના અગ્રણીઓ સહિત તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત સ્ટેટ યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલજીના માર્ગદર્શન હેઠળ ઝોન કોર્ડિનેટર પિન્કીબેન મેકવાન, ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર સોનલબેન પરીખ અને સોશિયલ મીડિયા કોર્ડિનેટર શ્યામલભાઈ પરીખના નિર્દેશન અનુસાર યોગ કોચ અને ટ્રેનરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો છે. એક મહિના સુધી ચાલનારા આ શિબિરમાં આસન, પ્રાણાયામ અને ધ્યાન પર વિશેષ ભાર મૂકવાની સાથે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા બોડી ચેકઅપ અને ડાયટ પ્લાનનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. આજના સમયમાં વધતું જતું વજન અને તેનાથી થતી બીમારીઓ દેશ માટે ચિંતાનો વિષય છે, ત્યારે નાગરિકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે આ અભિયાન એક અત્યંત અસરકારક અને પ્રશંસનીય પગલું સાબિત થઈ રહ્યું છે.






