GUJARATKUTCHMUNDRA

માનવતા અને અબોલ જીવોની સેવાનો અનોખો સંગમ: સમાઘોઘાના ચુઈયા પરિવાર દ્વારા મંદિર નિર્માણની ખુશી સેવાકાર્યથી ઉજવાઈ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

માનવતા અને અબોલ જીવોની સેવાનો અનોખો સંગમ: સમાઘોઘાના ચુઈયા પરિવાર દ્વારા મંદિર નિર્માણની ખુશી સેવાકાર્યથી ઉજવાઈ

 

રતાડીયા,તા.21: કહેવાય છે કે ‘સેવા એ જ સાચો ધર્મ છે’, અને આ ઉક્તિને સમાઘોઘાના ચુઈયા પરિવારે સાર્થક કરી બતાવી છે. જય શ્રી જામડી માં યુવા સંઘ – સમાઘોઘા દ્વારા અમાસના પવિત્ર દિવસે એક પ્રેરણાદાયી સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ચુઈયા પરિવારના કુળદેવી શ્રી જામડી માતાજીના મંદિરના નિર્માણ કાર્યની ખુશી નિમિત્તે પરિવારે આ ઉત્સવને માત્ર પોતાના સુધી સીમિત ન રાખતા સમાજ અને અબોલ જીવોની સેવા કરીને ઉજવ્યો હતો.

આ શુભ પ્રસંગે યુવા સંઘના સભ્યો દ્વારા મુંદરા તાલુકાના વિવિધ વિસ્તારો જેવા કે સાડાઉ, લુણી, ભદ્રેશ્વર, રતાડીયા અને પ્રાગપર ચોકડી ખાતે જઈને વિશિષ્ટ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. માર્ગો પર વિચરતી નિરાધાર ગાયોને લીલો ચારો ખવડાવવામાં આવ્યો હતો જ્યારે શ્વાનોને બિસ્કિટ આપીને તૃપ્ત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત જરૂરિયાતમંદ નાના બાળકોને નાસ્તો વિતરણ કરી તેમના ચહેરા પર સ્મિત લાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.

પરિવાર વતી પ્રતિક ચુઈયાએ એક યાદીમાં જણાવ્યું હતું કે આ સમગ્ર સેવા કાર્યમાં સંપૂર્ણ ચુઈયા પરિવારનો આર્થિક અને નૈતિક સહયોગ રહ્યો હતો. મંદિર નિર્માણ જેવા ધાર્મિક કાર્યની સાથે જીવદયા અને માનવસેવાનું આ કાર્ય અન્ય પરિવારો અને સંગઠનો માટે પણ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અમાસના પવિત્ર દિવસે કરવામાં આવેલી આ ભક્તિ અને શક્તિની આરાધના ખરેખર વંદનીય છે.

 

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 

-પુજા ઠક્કર, 

9426244508, 

ptindia112@gmail.com

 

 

Back to top button
error: Content is protected !!