AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં આહવા ગ્રામ પંચાયતમાં વિકાસના નામે લાખોનો ‘ખેલ’, 50 લાખના કામોમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની સૌથી મોટી આહવા ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનાં આક્ષેપોને લઈને તાલુકા વિકાસ અધિકારીએ તપાસનાં આદેશો આપ્યા..સાપુતારા 21-01-2026 ડાંગ જિલ્લાના મુખ્ય મથક એવા આહવા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં લાખો રૂપિયાની ગોબાચારી થઈ હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવેલી રજૂઆત મુજબ, છેલ્લા પાંચ વર્ષના સમયગાળા દરમિયાન પંચાયત દ્વારા કરવામાં આવેલા વિવિધ ૧૬ જેટલા વિકાસલક્ષી કામોમાં મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ખાસ કરીને ૧૫માં નાણાં પંચ અને ATVT યોજના હેઠળ મંજૂર થયેલા અંદાજે ૫૦ લાખ રૂપિયાના કામોમાં સરકારી નાણાંનો દુરુપયોગ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.આ મામલે સ્થાનિક જાગૃત નાગરિક નરેન્દ્રભાઈ ચંદ્રકાંતભાઈ ગાવિતે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે, ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલા આરસીસી રોડ, પેવર બ્લોક, નાળા અને મીની પાઈપલાઈનના કામોમાં માત્ર ભ્રષ્ટાચાર જ જોવા મળ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું કે આશ્રમ શાળામાં બનાવવામાં આવેલા શૌચાલયોમાં ભૂગર્ભ ટાંકી જ બનાવવામાં આવી નથી અને પાણીની મોટર પણ બળી ગયેલી હાલતમાં છે, જેના કારણે સરકારી મિલકતને નુકસાન પહોંચ્યું છે. આ કામોની ગુણવત્તા અત્યંત નબળી હોવાથી જવાબદારો સામે દંડનીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.જિલ્લા વિકાસ અધિકારીને મળેલી લેખિત ફરિયાદને પગલે તંત્ર હવે સક્રિય થયું છે અને આહવા તાલુકા વિકાસ અધિકારી આર.બી.ચૌધરીને તપાસ સોંપવામાં આવી છે.આ સંદર્ભે તાલુકા વિકાસ અધિકારી આર. બી.ચૌધરીએ નિવેદન આપ્યું છે કે, આહવા ગ્રામ પંચાયતની અરજીમાં દર્શાવેલ ૧૬ જેટલા કામોની ઝીણવટભરી તપાસ માટે એક વિશેષ ટેકનિકલ સ્ટાફની ટીમની રચના કરવામાં આવી છે.આ ટીમ દ્વારા સ્થળ પર જઈને કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવશે. તપાસ ટીમનો રિપોર્ટ આવ્યા બાદ સાચી હકીકત બહાર આવશે અને જો ભ્રષ્ટાચાર કે અનિયમિતતા જણાશે, તો તલાટી, સરપંચ કે અન્ય જે પણ જવાબદાર સભ્યો હશે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

Back to top button
error: Content is protected !!