HALOLPANCHMAHAL

હાલોલની પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાતના 5 જિલ્લાના કૃષિ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૧.૧.૨૦૨૬

ગુજરાત પ્રાકૃતિક કૃષિ સાયન્સ યુનિવર્સિટી (GNFSU), હાલોલ ખાતે મધ્ય ગુજરાતના વડોદરા ઝોનના પાંચ જિલ્લાના ‘આત્મા’ (ATMA) અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સ્ટાફ માટે એક દિવસીય નિદર્શન અને સંશોધન પ્લોટ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના DPM, MT, TPM અને એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ સહિત કુલ ૪૫ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામક ડૉ.રશ્મિકાંત ગુર્જર દ્વારા પ્રાકૃતિક ખેતીના પાયાના પાંચ આયામો – જીવામૃત, બીજામૃત, વાપસા, આચ્છાદન અને મિશ્ર પાક પદ્ધતિ વિશે ઊંડાણપૂર્વક સમજૂતી આપવામાં આવી હતી. તેમણે રાસાયણિક ખેતીના વિકલ્પે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી, હાજર સ્ટાફ પાસે પ્રાયોગિક ધોરણે જીવામૃત બનાવડાવ્યું હતું. વધુમાં, પંચસ્તરીય મોડેલ ફાર્મની રૂબરૂ મુલાકાત કરાવી કયા પાકોની પસંદગી કરવી અને તેનાથી થતા આર્થિક ફાયદાઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું.બપોર પછીના સત્રમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક ડૉ. અલ્પેશ ભીમાણીએ જમીનના સ્વાસ્થ્યમાં સૂક્ષ્મજીવાણુઓની ભૂમિકા વિશે વૈજ્ઞાનિક માહિતી પૂરી પાડી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે પ્રાકૃતિક પદ્ધતિથી જમીનની ફળદ્રુપતા લાંબા ગાળા સુધી જાળવી શકાય છે.અંતમાં, ડૉ. ધારા પ્રજાપતિએ પાક સંરક્ષણ અંગે માહિતી આપતા નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, દશ પર્ણી અર્ક, અગ્નિશાસ્ત્ર અને ખાટી છાશ જેવા વિવિધ અસ્ત્રો બનાવવાની પદ્ધતિ અને તેના ઉપયોગ વિશે સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ તાલીમ દ્વારા કૃષિ સ્ટાફને ક્ષેત્ર સ્તરે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે જરૂરી તકનીકી જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!