MORBI:મોરબીના સિરામિક ઉદ્યોગકારોના હિતમાં મહત્વની રજૂઆત: જૂના ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરની જંત્રીમાં રાહત આપવા માંગ

MORBI:મોરબીના સિરામિક ઉદ્યોગકારોના હિતમાં મહત્વની રજૂઆત: જૂના ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરની જંત્રીમાં રાહત આપવા માંગ
PM, CM અને કલેક્ટરને આવેદન: 700 એકરમાં ફેલાયેલા 200 જેટલા બંધ એકમોના નવીનીકરણ માટે જંત્રી અવરોધરૂપ
મોરબીના વિશ્વવિખ્યાત સિરામિક ઉદ્યોગને વેગ આપવા અને લાંબા સમયથી બંધ પડેલા જૂના ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચરના પુનઃઉદ્ધાર માટે મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપાધ્યક્ષ અજય પટેલ (ઝાલરીયા) દ્વારા વડાપ્રધાન, મુખ્યમંત્રી, સાંસદ સભ્ય અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. જેમાં સિરામિક એકમોના જૂના બાંધકામ પર લાગતી જંત્રીમાં મોટી રાહત આપવા માંગણી કરાઈ છે.
રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબીમાં છેલ્લા 25 થી 30 વર્ષથી સિરામિક ઉદ્યોગ કાર્યરત છે. હાલમાં અંદાજિત 700 એકર જગ્યામાં પથરાયેલા 200 જેટલા જૂના સિરામિક શેડ (ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રક્ચર) બિન-ઉપયોગી અવસ્થામાં છે. આ મિલકતોની અંદાજિત કિંમત રૂપિયા 1000 કરોડ જેટલી થાય છે. જોકે, વર્તમાન સરકારી જંત્રીના દર આ જૂના સ્ટ્રક્ચરની વાસ્તવિક કિંમત કરતા ત્રણથી ચાર ગણી વધારે હોવાથી તેનું વેચાણ કે નવીનીકરણ કરવું મુશ્કેલ બન્યું છે.
જંત્રી દર નવીનીકરણમાં બાધક અજય પટેલે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, વર્તમાન જંત્રી દરો ખૂબ જ ઊંચા હોવાને કારણે:
જૂના એકમોના સેલિંગ-પરચેઝિંગ (વેચાણ અને ખરીદી) માં આર્થિક બોજ વધે છે.નવા રોકાણકારો કે ઉદ્યોગકારો માટે આ જૂના સ્ટ્રક્ચર ખરીદીને નવો બિઝનેસ શરૂ કરવો પરવડે તેમ નથી.જો જંત્રીમાં યોગ્ય રાહત આપવામાં આવે તો આ 700 એકર જમીન પર ફરીથી ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ધમધમતી થઈ શકે તેમ છે.લોકહિતમાં નિર્ણય લેવા વિનંતી કેન્દ્ર અને રાજ્ય સરકારના વરિષ્ઠ પદાધિકારીઓને કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે, જો સરકાર દ્વારા જંત્રીના દરમાં લોકહિતાર્થે ઘટાડો કરવામાં આવે, તો સિરામિક ઉદ્યોગકારો આસાનીથી ડેવલપમેન્ટ કરી શકશે. આનાથી માત્ર ઉદ્યોગકારોને જ નહીં, પરંતુ નવી રોજગારીની તકો ઊભી થવાથી સમગ્ર મોરબીના અર્થતંત્રને મોટો ફાયદો થશે.







