
તા.૨૧.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:દાહોદ જિલ્લામાં મંગલમહુડી ગામની બહેનો વાંસ અને દૂધીમાંથી વિવિધ આકર્ષક વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બની
સરકાર દ્વારા યોજાયેલ મેળા થકી અમને સારી આવક મળી રહે છે. સરકાર આવા મેળાઓ યોજી અમને વેચાણ માટે તક આપતી રહે એવી આશા.- વિછિયા ભાભોર દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકાના મંગલમહુડી ગામના હોળી ફળીયા બાજુ જઈએ તો એક ઘરના બાજુમાં આવેલા નાનકડાં રૂમમાં કંઈક ને કંઈક ખીટપીટ થવાનો અવાજ જરૂર સંભળાશે. નાના – મોટા અવાજો એની તરફ આપણને આકર્ષિત કરે કે, શેનો અવાજ હશે..? હા, અહીં આ ગામના જ બહેનો અને ભાઈઓ ભેગા મળી પોતાની આવડતને કંડારી અવનવા આકાર આપી નવું કંઈક સર્જવાની પ્રવૃત્તિઓ કરતા હોય છે. ખુબ જ ધ્યાન અને ઝીણવટ વડે કામ કરતી આ બહેનોના ચહેરા પર ખેતીવાડી, ઘરકામ અને વાંસકામ કરીને આત્મ નિર્ભર થવાનો સંતોષ અને ખુશી જણાતી હતી.જેણે કદીયે પોતાના અભ્યાસાર્થે શાળાનું પગથિયું ચડ્યું નથી એ બહેન આજે પાર્વતીમાં સખી મંડળ ચલાવી રહ્યા છે. છેલ્લા ૫ વર્ષથી સતત ચાલતી આ કામગીરીમાં ૧૦ બહેનો સાથે ૧૦ ભાઈઓ પણ રોજગારી મેળવી રહ્યા છે. આ મંડળના પ્રમુખશ્રી બહેન સાથે વાત કરતા એમણે જણાવ્યું કે, હું ભણેલી નથી. પણ મારે આવક વધારવા કંઈક કરવું ને શીખવું હતું. અમને બધાંયને સરકાર દ્વારા મોકલેલા ટ્રેનર થકી ૪ મહિનાની તાલીમ મળી. જેમાં અમે શીખ્યા અને આજે હું ને આ બધીયે બહેનો ઘરકામ એ કરીએ છીએ, ખેતીવાડીએ કરીએ છીએ ને વાંસ અને દૂધીમાંથી વિવિધ વસ્તુઓ બનાવીને આર્થિક રીતે ઘરને ટેકોય કરીએ છીએ.ટોપલીઓ, પેન સ્ટેન્ડ, મોબાઈલ સ્ટેન્ડ, હેર સ્ટીક, પાણીની બોટલ, ગિલ્લોલ, લેમ્પ, કપ, વારલી પેઇન્ટિંગ, પક્ષીઓ માટેના માળાઓ, શુશોભન માટે તોરણો, લટકણીયા, તીર-કામઠું અને રમકડાં જેવી વસ્તુઓ વિવિધાકારમાં બનાવવામાં આવે છે. દૂધીને ૧ મહિના સુધી સુકવીને પછી નીચેનો ભાગ કાપીને એમાંથી દૂધીનો ગર કાઢીને એને ખાલી કરી દેવાય છે. એ પછી એમાં નાના-નાના કાણાં કરીને એમાં નાનકડો બલ્બ મુકવામાં આવે છે. એમ જ રીતે વાંસના પણ વિવિધાકારમાં લેમ્પ બનાવાય છે. ભાભોર વિછિયા કે જેઓ આ મંડળમાં કામગીરી કરી રહ્યા છે એમણે જણાવ્યું હતું કે, વાંસમાંથી બનાવવાયેલ વસ્તુઓને ઉન, મોતી અથવા વિવિધ રીતે આ બહેનો શણગારતી હોય છે. શણગારવા માટે કાચું મટીરીયલ તેઓ અમદાવાદથી લાવે છે. અને વાંસ અને દૂધી તો ગામમાંથી જ મળી રહે છે. સરકાર જયારે-જયારે હસ્તકલા મેળાઓ યોજે છે, ત્યારે અમને સારુ એવુ પ્લેટફોર્મ અને ગ્રાહકો મળી રહે છે. જેથી અમે અન્ય જિલ્લાઓમાં વેચાણ પણ સરળતાથી કરી શકીએ છીએ. અમે વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓમાં પણ જઈએ છીએ. જેમાંથી અમને સારી એવી આવક મળી રહે છે. સરકાર આવા મેળાઓ યોજી અમને વેચાણ માટે તક આપતી રહે એવી આશા સાથે સરકાર સાહેબનો આભાર માનું છું





