
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના અતિ મહત્વના એવા સાપુતારા અને વઘઈને જોડતા આંતરરાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત અંબિકા નદીના ઐતિહાસિક ‘નંદીના ઉતારા’ (સાકરપાતળ) બ્રિજના સમારકામમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયા બાદ સમગ્ર વહીવટી તંત્ર હચમચી ગયુ છે. જાગૃત નાગરિકોની ‘જનતા રેડ’ બાદ આ મામલો ઉચ્ચ સ્તરે પહોંચતા, ડાંગ જિલ્લા રાજ્ય ધોરીમાર્ગ વિભાગના કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુંકણા એક્શન મોડમાં આવ્યા છે અને તેમણે સ્થળ પર જઈને જવાબદાર અધિકારીઓનો ઉધડો લીધો છે.સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુંકણાએ વ્યક્તિગત રીતે સાકરપાતળ બ્રિજની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે જોયું કે બ્રિજના પાયાના મજબૂતીકરણ જેવી અત્યંત સંવેદનશીલ કામગીરીમાં નિર્ધારિત ધોરણોનું ઉલ્લંઘન થઈ રહ્યુ હતુ કે કેમ?આ તબક્કે તેમણે ડાંગ રાજ્ય ધોરીમાર્ગ પેટા વિભાગ, વઘઈના જવાબદાર નાયબ કાર્યપાલક ઈજનેર (DE) અને મદદનીશ ઈજનેરો (AE/SO) ને સ્થળ પર બોલાવી તેમની કામગીરી પ્રત્યે ભારે નારાજગી વ્યક્ત કરી હતી.તમામની હાજરીમાં જ તેમનો ઉધડો લેતા કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુંકણાએ જણાવ્યું હતું કે, ટેકનીકલ સુપરવિઝનમાં આટલી મોટી ચૂક કેવી રીતે રહી ગઈ?બ્રિજના સમારકામમાં માટી મિશ્રિત અને હલકી ગુણવત્તાની રેતી વાપરવાના કિસ્સામાં કાર્યપાલક ઈજનેરે એજન્સી સામે કડક હાથે કામ લેવાના આદેશો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકારી નાણાંનો દુરુપયોગ અને લોકોના જીવ જોખમાય તેવી કામગીરી કદાપિ ચલાવી લેવામાં આવશે નહીં.કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી છે કે અત્યાર સુધી થયેલું નબળું કામ ફરીથી ધોરણો મુજબ કરવું અને જો ગુણવત્તામાં સુધારો નહીં થાય તો બ્લેકલિસ્ટ કરવા જેવી કાર્યવાહીની પણ તૈયારી રાખવી.કાર્યપાલક ઈજનેર કેતનભાઈ કુંકણાએ અધિકારીઓ અને ઈજારદારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “ડાંગ જિલ્લાના વિકાસકાર્યોમાં ગુણવત્તા સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. હવે પછી જો કોઈ પણ કામમાં કચાસ કે ગેરરીતિ જણાશે, તો ગમે તેવા વગદાર અધિકારી કે કોન્ટ્રાક્ટરની સેહ-શરમ રાખ્યા વગર કાયદેસરના કડક પગલાં અને ખાતાકીય તપાસના આદેશો આપવામાં આવશે.” તેમણે ઉમેર્યું કે હવે પછીના કામનું નિરીક્ષણ વારંવાર કરવામાં આવશે..





