નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૧.૦૧.૨૦૨૬ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૨૧૮૦ સામે ૮૧૭૯૪ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૮૧૧૨૪ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૧૨૮૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૮૧૯૦૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૫૯ સામે ૨૫૨૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૪૯૬૧ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૩૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૧ પોઈન્ટના ઘટાડા સાથે ૨૫૧૭૮ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધની કગાર પર આવી ગયું હોવાના સ્પષ્ટ એંધાણે યુરોપ વિરૂધ્ધ અમેરિકા અને વિશ્વના અનેક દેશો વૈશ્વિક અર્થતંત્ર અને બજારોને ભયાનક કટોકટીમાં ધકેલી દેશે એવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું હોઈ આજે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજાર સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે અંધાધૂંધ વેચવાલીએ ઘટાડા સાથે બંધ રહ્યું હતું.
ટ્રમ્પે હવે ફ્રાંસ પર ૨૦૦% ટેરિફ ફટકારવાની ચિમકી આપતાં અને વૈશ્વિક મોરચે જાપાનના બોન્ડમાં કડાકો બોલાઈ જવા સાથે વૈશ્વિક શેરબજારમાં પણ મંદીની મોકાણ થતી જોવાઈ હતી. ટ્રમ્પના એક પછી એક વિશ્વને કટોકટીની સ્થિતિમાં મૂકી દેનારા ટેરિફ પગલાં સાથે ગ્રીનલેન્ડ સહિતના દેશોને કબજે કરવાની જીદ વિશ્વના માથે નવું યુદ્ધ થોપવા જઈ રહ્યું હોઈ ફંડો, મહારથીઓ ઈક્વિટીને અલવિદા કહી સેફ હેવન સુરક્ષિત એસેટ્સ ચાંદી અને સોનામાં રેકોર્ડ ખરીદી કર્યાની પણ અસર આજે બજારમાં જોવાઈ હતી.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, બુધવારે ભારતીય રૂપિયો ૯૧.૫૦ ની નવી નીચી સપાટીએ પહોંચી ગયો હતો, જેના કારણે ભારતીય મૂડી બજારોમાંથી વિદેશી ભંડોળનો સતત પ્રવાહ ચાલુ રહ્યો હતો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગ્રીનલેન્ડ પર યુએસ નિયંત્રણનો વિરોધ કરતા પસંદગીના યુરોપિયન દેશો પર ટેરિફ ધમકીઓ વધારી દીધા બાદ, ફેબ્રુઆરીમાં ૧૦% થી જૂન સુધીમાં ૨૫% સુધી સૂચિત ડ્યુટીઓ લાદવામાં આવ્યા બાદ, વેપાર-યુદ્ધની ચિંતાઓને લીધે વૈશ્વિક વેચાણને પગલે રૂપિયાની ભાવના વધુ નબળી પડી હતી.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૦૧% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૮૦% ઘટીને બંધ રહ્યા હતા. સેક્ટરલ ઈન્ડાયસીસમાં મુખ્યત્વે બીએસઈ પર કોમોડીટી, એનર્જી, મેટલ, ઓઈલ એન્ડ ગેસ અને સર્વિસીસ સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૧૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૮૩૧ અને વધનારની સંખ્યા ૧૪૩૭ રહી હતી, ૧૪૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૩ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે ઈટર્નલ લિ. ૪.૯૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૫૭%, ઈન્ડિગો ૧.૩૭%, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૦.૭૫%, અદાણી પોર્ટ્સ ૦.૭૦%, પાવર ગ્રીડ કોર્પો. ૦.૫૭%, ટેક મહિન્દ્રા ૦.૫૨% અને ટાટા સ્ટીલ ૦.૪૯% વધ્યા હતા, જ્યારે મુખ્યત્વે આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૯૬%, ટ્રેન્ટ લિ. ૧.૭૮%, ભારત ઇલેક્ટ્રોનીક્સ ૧.૫૯%, એચડીએફસી બેન્ક ૧.૧૮%, લાર્સન લિ. ૧.૦૭%, સ્ટેટ બેન્ક ૦.૮૭%, મારુતિ સુઝુકી ૦.૭૧% અને એક્સીસ બેન્ક ૦.૬૮% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઘટાડા સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૧.૭૩ લાખ કરોડ ઘટીને ૪૫૪.૦૯ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૩ કંપનીઓ વધી અને ૧૭ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, આઈએમએફ અને વર્લ્ડ બેન્ક જેવી અગ્રણી વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ભારતના જીડીપી ગ્રોથના અંદાજમાં કરવામાં આવેલો નોંધપાત્ર વધારો ભારતીય શેરબજાર માટે સ્પષ્ટ રીતે હકારાત્મક માહોલ સર્જે છે. અર્થતંત્રની અપેક્ષા કરતાં વધુ સારી કામગીરી, મજબૂત ડોમેસ્ટિક ડિમાન્ડ, ઊંચું પ્રાઇવેટ કન્ઝમ્પ્શન અને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા કેપેક્સ પર કરવામાં આવી રહેલા ખર્ચના કારણે કોર્પોરેટ કમાણીમાં સતત સુધારો જોવા મળી શકે છે. બેન્કિંગ અને ફાઇનાન્સિયલ સેક્ટરમાં ક્રેડિટ ગ્રોથ મજબૂત રહેવાની શક્યતા છે, જ્યારે કેપિટલ ગુડ્સ, ઈન્ફ્રા, મેન્યુફેક્ચરિંગ, પાવર અને કન્ઝમ્પ્શન આધારિત સેક્ટરો લાંબા ગાળે માર્કેટના લીડર બની શકે છે. આ સાથે સર્વિસ અને ટેક્નોલોજી સેક્ટરમાં એઆઈ અને ડિજિટલાઈઝેશનના કારણે નવી તકો ઊભી થતી દેખાય છે, જે બજારને સપોર્ટ આપશે.
બીજી તરફ, ટૂંકા ગાળે વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે બજારમાં વોલેટિલિટી રહેવાની શક્યતા નકારી શકાતી નથી. યુએસ ફેડરલ રિઝર્વની વ્યાજદર નીતિ, વૈશ્વિક ફુગાવો, જીઓ-પોલિટિકલ તણાવ અને ટ્રેડ પોલિસીમાં થતા ફેરફારોની અસર ભારતીય માર્કેટ પર સમયાંતરે જોવા મળી શકે છે. તેમ છતાં, સ્થિર મેક્રો આર્થિક પરિસ્થિતિ, નિયંત્રિત ફુગાવો, આરબીઆઈ તરફથી સંતુલિત મોનિટરી સપોર્ટ અને મજબૂત વિદેશી તથા સ્થાનિક રોકાણ પ્રવાહોને ધ્યાનમાં લઈએ તો કોઈ પણ કરેકશન મધ્યમથી લાંબા ગાળાના રોકાણકારો માટે તકરૂપ બની શકે છે. કુલ મળીને, ભારતીય શેરબજારની ભાવિ દિશા સાવચેત આશાવાદીથી મજબૂત દેખાય છે, જ્યાં સમય સાથે પસંદગીયુક્ત શેરોમાં અપટ્રેન્ડ જળવાઈ રહેવાની સંભાવના વધુ છે અને ભારતની સ્ટ્રક્ચરલ ગ્રોથ સ્ટોરી બજારને લાંબા ગાળે ટેકો આપતી રહેશે.



