NANDODNARMADA

નર્મદા: કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો

કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યોજાયો

છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઝારખંડ રાજ્યના વિવિધ ૧૦ જિલ્લાઓમાંથી કુલ ૨૧૮ જેટલા યુવાઓ સહભાગી બન્યા

 

૧૫૦ કિ.મી. યુનિટી માર્ચમાં સહયોગ આપનાર યુવાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરાયા

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત માય ભારત નર્મદા દ્વારા ૧૭મો આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશી તથા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંગ ભાઈ ઉપસ્થિતિમાં કેવડિયા સ્થિત સહકાર ભવન ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે વડોદરાના સાંસદ તથા માય ભારત સલાહકાર સમિતિના સદસ્ય ડો. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તથા કેન્દ્રીય યુવા અને રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાના માર્ગદર્શન હેઠળ ૧૭મો ટ્રાયબલ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ (આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ) ગુજરાતના કેવડિયા-એકતા નગર ખાતે આયોજિત કાર્યક્રમમાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા આદિવાસી યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન થશે તેમજ તેઓ એકબીજાની પરંપરા, સંસ્કૃતિ અને જીવનશૈલીને સમજી જ્ઞાન અને અનુભવનું આદાન-પ્રદાન કરશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ યુવાનોમાં દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાત દિવસ દરમિયાન યુવાનોને વિવિધ મહાનુભાવો સાથે વ્યક્તિગત વાર્તાલાપ કરવાની તક મળશે, જે તેમના વ્યક્તિત્વ અને નેતૃત્વ વિકાસમાં સહાયક બનશે. ઉપરાંત, યુવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન, કાર્ય અને આદર્શોમાંથી પ્રેરણા મેળવશે તથા વડાપ્રધાનશ્રીના વિકસિત ભારત ૨૦૪૭ ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવશે.

 

આ કાર્યક્રમમાં આદિવાસી યુવાનો વચ્ચે સાંસ્કૃતિક આદાન-પ્રદાન, રાષ્ટ્રીય એકતા, નેતૃત્વ વિકાસ અને પરસ્પર સમજ વધારવાના હેતુથી છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ઓડિશા અને ઝારખંડ રાજ્યના વિવિધ ૧૦ જિલ્લાઓમાંથી કુલ ૨૧૮ જેટલા યુવાઓ સહભાગી બન્યા હતા. આ કાર્યક્રમમાં સહભાગી થયેલ સુશ્રી પલ્લવી યાદવે જણાવ્યુ કે, આદાન-પ્રદાન કાર્યક્રમ થકી સૌને અલગ અલગ આદિવાસી સંસ્કૃતિની ઓળખ થશે તે બદલ સૌનો આભાર માનું છું.

 

કાર્યક્રમ દરમિયાન સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી શ્રીમતી નિમિષા પંચાલ દ્વારા ટ્રાફિક નિયમો તથા માર્ગ સલામતી અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ઉપસ્થિત સૌએ નિયમોના પાલન માટે શપથ લીધા હતા. આ ઉપરાંત, ૧૫૦ કિ.મી. યુનિટી માર્ચમાં સહયોગ આપનાર યુવાઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

આ કાર્યક્રમમાં માય ભારત નર્મદાના ડેપ્યુટી ડાયરેકટર શ્રી પંકજ યાદવ, ભારત સરકાર ગૃહ મંત્રાલયના ઉપસચિવ શ્રી રાજકુમાર, ગુજરાત પ્રદેશ યુવા મોરચાના મહામંત્રી શ્રી ઇશાન સોની, માય ભારત નર્મદાના પ્રોગ્રામ ઓફિસર શ્રી ચંદ્રકાંત બક્ષી, વિવિધ રાજ્યોના પ્રતિનિધિશ્રીઓ સહિત યુવાઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Back to top button
error: Content is protected !!