ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં ગેરરીતિના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.આ દરમિયાન કચેરીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે પોલીસના ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજે કોંગ્રેસના આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા અંતર્ગત ચોક્કસ વર્ગના મતદારોના નામ ખોટી રીતે મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનો આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા.કોંગ્રેસના આગેવાનો કલેક્ટરની કેબિન બહાર જ બેસી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ દરમિયાન પોલીસે તેમને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કરતા પરિસ્થિતિ તંગ બની હતી. પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બોલાચાલી તેમજ ધક્કામુક્કી જોવા મળી હતી, જેના કારણે થોડા સમય માટે કચેરીમાં તણાવનો માહોલ સર્જાયો હતો.કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઈશારે વહીવટી અધિકારીઓ કામ કરી રહ્યા છે અને લોકશાહી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે. મતદારોના નામ ખોટી રીતે કાઢી નાખવાની કાર્યવાહી બંધ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ સામે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. સદર કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, પ્રવકતા નાઝુ ફડવાલા, વિપક્ષના નેતા સમસાસ સૈયદ સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.




