MORBI: મોરબી SIRની કામગીરીમાં છેલ્લા દિવસોમાં હજારો વાંધા અરજી થવા બાબતે : કોંગ્રેસે કલેક્ટરને આવેદન પાઠવ્યું

MORBI: મોરબી SIRની કામગીરીમાં છેલ્લા દિવસોમાં હજારો વાંધા અરજી થવા બાબતે : કોંગ્રેસે કલેક્ટરને આવેદન પાઠવ્યું
મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા આવેદનમાં જણાવાયુ હતું કે ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા – ૨૦૨૬ અંતર્ગત તા. ૧૯ના રોજ મુસદા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ અનુસંધાને વાંધા, સૂચનો તથા હક્ક-દાવા માટે ફોર્મ નં. ૬, ૭ અને ૮ ભરવાની છેલ્લી તારીખ, તા.૧૮ નક્કી કરવામાં આવી હતી.પરંતુ અચાનક તા. ૧૬થી સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદારના નામ કાઢી નાખવા માટે કોર્મ નં.૭ હજારોની સંખ્યામાં દાખલ થવા લાગ્યા છે. જે ગંભીર ચિંતા ઉપજાવે છે. લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯પ૦ તથા મતદારોની નોંધણી નિયમો, ૧૯૬૦ અનુસાર ફોર્મ નં. ૭ (નામ કાઢી નાખવા માટેનો વાંધો) માત્ર યોગ્ય અને પૂરતા આધાર પુરાવા સાથે જ રજૂ કરી શકાય છે. જેમ કે મતદારનું મૃત્યુ પ્રમાણપત્ર, રહેઠાણ બદલાવનો અથવા સ્પષ્ટ લેખિત વાંધો, આવા વાંધા માત્ર સંબંધિત મતવિસ્તારના નોંધાવેલા મતદાર અથવા સંબંધિત BLO દ્વારા જ રજૂ થઈ શકે છે અને દરેક અરજીની વ્યક્તિગત તપાસ ચૂંટણી નોંધણી અધિકારી દ્વારા કરવી ફરજિયાત છે. મળતી માહિતી અનુસાર સત્તાધારી પક્ષ દ્વારા સુનિયોજિત રીતે ચોક્કસ જાતિ, ધર્મ અને રાજકીય પક્ષના મતદારોના નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ફોર્મ નં.7દાખલ કરાવવામાં આવ્યા હોવાની આશંકા છે. આવા સામૂહિક સબ મિશન દ્વારા સાચા મતદારોના નામ ખોટી નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, જે લોકશાહી અને નિષ્પક્ષ ચૂંટણી પ્રક્રિયા માટે ગંભીર ખતરો છે.
અમારી માંગણી છે કે તા. ૧૬, ૧૭ અને ૧૮ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ જેટલા પણ ફોર્મ નં. ૭ સ્વીકારવામાં આવ્યા હોય તે તમામ કચેરીઓના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓએ ગેરરીતે આ ફોર્મ સ્વીકાર્યા હોય તેમની ભૂમિકા તપાસવામાં આવે. જો કોઈ અધિકારી કે રાજકીય વ્યક્તિ કાયદાનો ભંગ કરતી જણાય તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.આ અંગે વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય પીરઝાદાએ જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં મોરબી જિલ્લામાં 10 હજારથી વધુ વાંધાઓ રજૂ કરવામાં આવ્યા છે. એકલા વાંકાનેરમાં જ 8 હજાર જેટલા વાંધાઓ રજૂ થયા છે. આમાં ચોક્કસ કોમ્યુનિટીને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. આ વાંધા રજૂ થયા તેના સીસીટીવી ફૂટેજ જાહેર કરવામાં આવે તેવી માંગ છે.








