મહીસાગર: “બાળકોના સારથી એવા શાળા વાહન ચાલકોની જવાબદારી વિશેષ” – લુણાવાડા ખાતે ડ્રાઈવરો માટે તાલીમ વર્કશોપ યોજાયો

મહીસાગર: “બાળકોના સારથી એવા શાળા વાહન ચાલકોની જવાબદારી વિશેષ” – લુણાવાડા ખાતે ડ્રાઈવરો માટે તાલીમ વર્કશોપ યોજાયો
**
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર….
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬: એ.આર.ટી.ઓ. અને સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા ‘શીખ સે સુરક્ષા’ સૂત્ર સાથે જનજાગૃતિ કાર્યક્રમ
**
અકસ્માતમાં મદદ કરનાર માટેની સરકારની ‘રાહ વીર’ યોજના અંગે વાહન ચાલકોને માહિતગાર કરાયા
**
રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ ૨૦૨૬ અંતર્ગત “શીખ સે સુરક્ષા, ટેક્નોલોજી સે પરિવર્તન” ના સૂત્રને સાર્થક કરવાના હેતુથી લુણાવાડા એ.આર.ટી.ઓ. કચેરી ખાતે એક વિશાળ તાલીમ વર્કશોપ અને જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ શાળાઓના વાહન ચાલકોને સુરક્ષિત ડ્રાઈવિંગ અને બાળકોની સલામતી અંગે વિશેષ તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર એસ.બી. પટેલે ડ્રાઈવરોને પ્રેરક ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે, “જેમ મહાભારતમાં અર્જુનના સારથી ભગવાન શ્રીકૃષ્ણ હતા, તેમ તમે ભારતના આવતીકાલના ભવિષ્ય એવા બાળકોના સારથી છો.” તેમણે વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવા, હેલ્મેટ અને સીટબેલ્ટનો ઉપયોગ કરવા તથા શિસ્તબદ્ધ વર્તન રાખવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન સરકારની મહત્વાકાંક્ષી ‘રાહ વીર’ યોજના વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. જેમાં અકસ્માત સમયે ઘાયલોને મદદ કરનાર વ્યક્તિને મળતી આર્થિક સહાય અને કાયદાકીય રક્ષણની જાણકારી અપાઈ હતી. ઉપરાંત, ૧૦૮ની ટીમ દ્વારા કટોકટીના સમયે જીવનરક્ષક પગલાં અને ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગ શિસ્ત અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લામાં ૩૫૪ શાળાઓના ૧૭,૦૦૦થી વધુ બાળકો ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ લે છે અને ૫૦૦થી વધુ વાહનચાલકો છે. આબાળકોની સુરક્ષા અને નિયમિતતા જળવાય તે માટે ડ્રાઈવરોની કુશળતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે માર્ગ સલામતીના પેમ્પલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ ડ્રાઈવરોએ સુરક્ષિત વાહન ચલાવવાના શપથ લીધા હતા.
આ તાલીમ વર્કશોપમાં આર.ટી.ઓ. ઇન્સ્પેક્ટર્સ એમ.એમ. પટેલ, જે.ટી. વસાવા, એ.એમ. પરમાર, એ.વી. મોડિયા, આર.એન. રાઠોડ, જિલ્લા ટ્રાફિકમાંથી નિર્મલસિંહ સિસોદિયા, સમગ્ર શિક્ષા કચેરીમાંથી મહેશભાઈ પ્રણામી, ચંપકસિંહ સોલંકી અને ૧૦૮ ટીમમાંથી કીર્તિપાલસિંહ સહિત મોટી સંખ્યામાં વાહન ચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

અકસ્માતમાં મદદ કરનાર માટેની સરકારની ‘રાહ વીર’ યોજના અંગે વાહન ચાલકોને માહિતગાર કરાયા

