સંતરામપુર ખાતે જિલ્લા પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક પરિસંવાદ’ યોજાયો

સંતરામપુર ખાતે જિલ્લા પ્રમુખ બાબુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘પ્રાકૃતિક પરિસંવાદ’ યોજાયો
***

ખેડૂતો દેશી ગાય આધારિત ઝીરો બજેટ ખેતી અપનાવી આર્થિક સધ્ધરતા તરફ વળે તેવો મુખ્ય સુર
***
રિપોર્ટર …
અમીન કોઠારી મહીસાગર
સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ જ્યારે પ્રાકૃતિક ખેતી તરફનો ઝુકાવ સતત વધી રહ્યો છે, ત્યારે ખેડૂતોને ઝીરો બજેટ ખેતી એટલે કે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહિત કરવાના હેતુથી આજ રોજ સંતરામપુર તાલુકાના ખેત ઉત્પાદન બજાર સમિતિ (APMC) ખાતે ‘પ્રાકૃતિક પરિસંવાદ’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આત્મા (ATMA) અને ગુજરાત પ્રાકૃતિક બોર્ડના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમ જિલ્લા પ્રમુખશ્રી બાબુભાઇ પટેલની અધ્યક્ષતામાં સંપન્ન થયો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા અધ્યક્ષશ્
એ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી પરંતુ માનવજાતની સુખાકારી અને સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટેનો એક પવિત્ર માર્ગ છે. ખેડૂતો વધુમાં વધુ આ પદ્ધતિ અપનાવે તો જમીન ફળદ્રુપ બનવાની સાથે તેઓ આર્થિક રીતે પણ ચોક્કસ સધ્ધર બની શકે છે.
કાર્યક્રમ દરમિયાન વિવિધ વિભાગીય અધિકારીઓ દ્વારા ખેડૂતોને સરકારી યોજનાઓનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીએ ખેતીવાડી વિભાગની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને બાગાયત નાયબ નિયામકે બાગાયત ખાતાની યોજનાઓ વિશે વિગતવાર માહિતી આપી હતી. આ ઉપરાંત, પ્રગતિશીલ ખેડૂતોએ પણ પોતાના અનુભવો દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ સમજાવ્યા હતા. કાર્યક્રમની વિશેષતા એ રહી કે ગુજરાત પ્રાકૃતિક બોર્ડ તરફથી લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે ‘બાયો ઇનપુટ યુનિટ’ની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પરિસંવાદમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના આયામોનું પ્રત્યક્ષ નિદર્શન કરાવવા માટે વિવિધ સ્ટોલ્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે ખેડૂતો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત ખેડૂતોએ આરોગ્યપ્રદ અને ઝેરમુક્ત ખેતી કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આત્મા પ્રોજેક્ટ અને બોર્ડના સ્ટાફ દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું.




