
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના વલુણા ગામે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા
મેઘરજ તાલુકાના વલુણા ગામ ખાતે અયોધ્યામાં ભગવાન શ્રીરામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાની ઉજવણીના ભાગરૂપે સતત ત્રીજા વર્ષે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામ સહિત આસપાસના વિસ્તારોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.ગામના યુવા મંડળના યુવાનો તથા વડીલોના સહયોગથી યોજાયેલી આ શોભાયાત્રાની શરૂઆત વલુણા હનુમાન મંદિરથી કરવામાં આવી હતી. ત્યારબાદ શોભાયાત્રા વલુણા, બેડઝ તેમજ રાંજેડી વિસ્તારોમાંથી પસાર થઈ હતી. શોભાયાત્રામાં ભગવાન શ્રીરામજીને ભવ્ય બગીમાં બિરાજમાન કરી ભક્તિભાવપૂર્વક યાત્રા યોજાઈ હતી.યાત્રા દરમ્યાન સમગ્ર માર્ગ પર ભક્તોએ જય શ્રીરામના ઘોષ સાથે શોભાયાત્રાનું ઉલ્લાસભેર સ્વાગત કર્યું હતું. માર્ગ પર ઠેરઠેર ફૂલવર્ષા અને ભક્તિ ગીતોથી વાતાવરણ ભાવવિભોર બન્યું હતું.આ શોભાયાત્રામાં બેડઝ તાલુકા પંચાયતના સદસ્ય તેમજ મેઘરજ પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ભાનુપ્રતાપસિંહ સહિત મોટી સંખ્યામાં યુવાનો, ગ્રામજનો, વડીલો અને સંતો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વલુણા ગામ તથા આસપાસનો વિસ્તાર ભક્તિ અને આનંદના રંગે રંગાયો હતો.





