
મહિસાગરમાં બાળ સુરક્ષા વિભાગમાં વિવાદ!
રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર
મહીસાગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના માનસિક ત્રાસથી કંટાળી કર્મચારીનું રાજીનામું!

ભવિષ્યમાં કંઈ પણ અઘટિત પગલું ભરીશ તો તેની જવાબદારી બાળ સુરક્ષા અધિકારીની રહેશે તેવી ચીમકી
મહિસાગર-લુણાવાડા ખાતે કાર્યરત સમાજ સુરક્ષા કચેરી હેઠળની ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંસ્થામાં આસી. કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તરીકે ફરજ બજાવતા વણકર સોમાભાઈએ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીના કથિત ત્રાસથી કંટાળીને પોતાનું રાજીનામું ધરી દીધું હોવાના આક્ષેપ કર્યા છે. કર્મચારીએ સમાજ સુરક્ષા અધિકારીને ઉદ્દેશીને લખેલા રાજીનામામાં ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિગ્નેશભાઈ પંચાલ દ્વારા તેમને ખોટી રીતે માનસિક ટોર્ચર કરવામાં આવી રહ્યા છે. ૧૫ જાન્યુઆરીના રોજ પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાયેલી નિરીક્ષણ બેઠક બાદ અધિકારીએ તેમને બોલાવી “તું અહીંની વાતો ત્યાં અને ત્યાંની વાતો અહીં કરે છે” તેમ કહી અપમાનિત કર્યા હતા. કર્મચારીના જણાવ્યા મુજબ, તેઓ ૧૨ જાન્યુઆરી ૨૦૨૪ થી ૧૧ માસના કરાર આધારિત ફરજ બજાવે છે અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે. તેમ છતાં, અધિકારી દ્વારા બાળ કલ્યાણ સમિતિના કામો ન કરવા માટે દબાણ કરવામાં આવે છે અને સમિતિ વિરુદ્ધ ખોટા નિવેદનો આપવા માટે મજબૂર કરવામાં આવે છે. કર્મચારીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે તેઓ આર્થિક રીતે નબળા છે અને પરિવારનું ભરણપોષણ આ નોકરી પર આધારિત છે, પરંતુ અધિકારીના ત્રાસથી તેમનો પરિવાર વિખેરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો છે કે અધિકારી તેમને આત્મહત્યા કરવા માટે પ્રેરે તેવો માનસિક ત્રાસ આપી રહ્યા છે. આ રાજીનામું કોઈ ખુશીથી નહીં પણ માત્ર અધિકારીના સતત દબાણને કારણે આપ્યું હોવાનું જણાવી કર્મચારીએ ચીમકી આપી છે કે જો ભવિષ્યમાં તેઓ કોઈ નકારાત્મક પગલું ભરશે તો તેની સંપૂર્ણ જવાબદારી બાળ સુરક્ષા અધિકારીની રહેશે તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.




