
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
અદાણી ફાઉન્ડેશન દ્વારા નાના કપાયા ગામમાં સીસી રોડનું ખાતમુહૂર્ત : ગામને ‘મોડલ વિલેજ’ બનાવવાના સંકલ્પ સાથે વિકાસકાર્યોને વેગ
રતાડીયા,તા. 22: અદાણી ફાઉન્ડેશન દ્વારા મુંદરા તાલુકાના નાના કપાયા ગામમાં સુવિધાઓના સુદ્રઢીકરણના ભાગરૂપે સીસી રોડના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ નવા રોડના નિર્માણથી ગામમાં પરિવહન અને આવન-જાવન વધુ સરળ બનશે. લાંબા સમયથી શિક્ષણ, આરોગ્ય, આજીવિકા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના ક્ષેત્રોમાં સક્રિય અદાણી ફાઉન્ડેશનનો આ પ્રયાસ ગ્રામજનોના જીવનધોરણને વધુ ઉન્નત બનાવવાની દિશામાં એક મહત્વનું કદમ છે.
આ પ્રસંગે અદાણી પોર્ટ્સ એન્ડ સેઝના એક્ઝિક્યુટિવ ડાયરેકટર શ્રી રક્ષિતભાઈ શાહનું વિશેષ સન્માન નાના કપાયા-બોરાણા જૂથ પંચાયતના સરપંચ શ્રી જખુભાઇ મહેશ્વરી દ્વારા કરવામાં આવ્યું હતું. પોતાના સંબોધનમાં રક્ષિતભાઈએ જણાવ્યું હતું કે “નાના કપાયા ગામ અમારા હૃદયની ખૂબ નજીક છે અને આગામી સમયમાં આપણે સૌ સાથે મળીને આ ગામને એક ‘મોડલ ગામ’ તરીકે વિકસાવવા માટે કટિબદ્ધ છીએ.” ગામના અગ્રણી શ્રી નાગશીભાઈ ગઢવીએ આ કાર્યને ગ્રામજનો માટે અત્યંત ઉપયોગી ગણાવી ફાઉન્ડેશન દ્વારા અત્યાર સુધી કરવામાં આવેલા વિવિધ લોકકલ્યાણના કાર્યો બદલ પંચાયત અને ગ્રામજનો વતી આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમમાં ગામના ઉપસરપંચ શ્રીમતી પ્રફુલાબા ઝાલા, મુન્દ્રા તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રીમતી ગીતાબેન સોધમ, કપાયા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી સામજીભાઈ સોધમ, ગઢવી સમાજના પ્રમુખ શ્રી રામભાઈ ગઢવી તથા ગ્રામ પંચાયત સભ્ય શ્રી સકુરભાઈ સુમરા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત અદાણી ફાઉન્ડેશન મુન્દ્રા CSR હેડ શ્રી કિશોરભાઈ ચાવડા, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, ગ્રામજનો અને ફાઉન્ડેશનના અધિકારીઓ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન નાના કપાયા વાડી વિસ્તારના આચાર્ય શ્રી અર્જુનભાઈએ કર્યું હતું જ્યારે આભારવિધિ અદાણી ફાઉન્ડેશનના પ્રતિનિધિ શ્રી કરસનભાઈ ગઢવી દ્વારા કરવામાં આવી હતી.









વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




