GUJARATTHARADVAV-THARAD

રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત થરાદ રોશનીના ઝગમગાટથી ઝળહળ્યું

દેશભક્તિના રંગોમાં રંગાયું થરાદ, રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વ માટે ભવ્ય રોશની સજાવટ

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ

તા.૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ વાવ–થરાદ જિલ્લામાં યોજાનાર ૭૭મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણીના અનુસંધાને થરાદ શહેરને વિશેષ રોશની સજાવટથી શણગારવામાં આવ્યું છે. સમગ્ર શહેરમાં દેશભક્તિની થીમ આધારિત રોશનીના ઝગમગાટથી ઉત્સવી માહોલ સર્જાયો છે, જે નાગરિકો અને મુલાકાતીઓને દેશપ્રેમની અનુભૂતિ કરાવે છે.

 

રાજ્યકક્ષાના કાર્યક્રમને અનુરૂપ થરાદ ખાતે આવેલા મહત્વપૂર્ણ સરકારી મકાનો પર આકર્ષક લાઈટ ડેકોરેશન કરવામાં આવ્યું છે. જેમાં કલેક્ટર ઓફિસ, કોર્ટ બિલ્ડીંગ, રેસ્ટ હાઉસ બિલ્ડીંગ, મામલતદાર ઓફિસ, પ્રાંત ઓફિસ, ગવર્મેન્ટ આર્ટસ કોલેજ, સબ રજિસ્ટ્રાર ઓફિસ, આઈ.ટી.આઈ., આદર્શ નિવાસી સ્કૂલ બિલ્ડીંગ, ગવર્મેન્ટ સાયન્સ કોલેજ તેમજ આર.એન્ડ.બી. સબડિવીઝન કચેરીનો સમાવેશ થાય છે. તમામ મકાનો તિરંગાના રંગો અને દેશભક્તિ દર્શાવતી લાઈટિંગથી ઝગમગી ઉઠ્યા છે.

 

તે ઉપરાંત થરાદ શહેરના મુખ્ય માર્ગો પણ રોશનીથી શોભાયમાન બન્યા છે. ડીસા–થરાદ રોડ, રાધનપુર તરફનો એન.એચ. રોડ, થરાદ–સાંચોર રોડ, મીઠા–થરાદ રોડ, રેસ્ટ હાઉસ રોડ તથા ગૌરવપથ રોડ ઉપર કરવામાં આવેલી રોશની સજાવટ શહેરના સૌંદર્યમાં વિશેષ વધારો કરે છે.

 

રાત્રિના સમયે થરાદ શહેર રોશનીના ઝગમગાટ વચ્ચે એક અનોખું અને ભવ્ય રૂપ ધારણ કરી રહ્યું છે. રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વના કાર્યક્રમની પૂર્વ તૈયારી રૂપે કરવામાં આવેલી આ સજાવટ નાગરિકોમાં ઉત્સાહ અને ગૌરવની લાગણી જગાવે છે તથા સમગ્ર જિલ્લાને ઉત્સવમય માહોલ આપે છે.

Back to top button
error: Content is protected !!