થરાદના આંગણે ૭૭માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય તૈયારીઓ: પોલીસ જવાનોના સાહસિક કરતબોથી ગુંજી ઉઠ્યું પરેડ ગ્રાઉન્ડ

*થરાદના આંગણે ૭૭માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ભવ્ય તૈયારીઓ: પોલીસ જવાનોના સાહસિક કરતબોથી ગુંજી ઉઠ્યું પરેડ ગ્રાઉન્ડ*
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર
*થરાદના મલુપુર ગ્રાઉન્ડ ખાતે આઈજીપી ભુજ રેન્જ શ્રી ચિરાગ કોરડીયાના અધ્યક્ષસ્થાને પોલીસ પરેડનું રિહર્સલ યોજાયું*
*પરેડ કાર્યક્રમમાં ચેતક અને મરીન કમાન્ડો તેમજ અન્ય સુરક્ષા દળો સહિત કુલ ૨૨ પ્લાટુન અને ૮૧૦ જેટલા જવાનો રિહર્સલમાં જોડાયા*
*મહિલા પોલીસની એરોબિક્સ અને અશ્વદળના ટેન્ટ પેગીંગે આકર્ષણ જમાવ્યું*
તા. ૨૬ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ ૭૭માં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં ભવ્ય અને ગૌરવપૂર્ણ રીતે યોજાનાર છે. રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ ઐતિહાસિક ઉજવણીને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વ્યાપક આયોજન અને સુવ્યવસ્થિત વ્યવસ્થાઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યકક્ષાની ઉજવણીને અનુકૂળ સુરક્ષા, પરેડ, ટ્રાફિક, પ્રોટોકોલ તથા જન સુવિધાઓ અંગે વિવિધ વિભાગો વચ્ચે સંકલન સાધીને તૈયારીઓ કરવામાં આવી રહી છે.
આ ઉજવણીના ભાગરૂપે આજે થરાદના મલુપુર પરેડ ગ્રાઉન્ડ ખાતે ભુજ રેન્જના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસશ્રી ચિરાગ કોરડીયાના અધ્યક્ષસ્થાને ધ્વજ વંદન કાર્યક્રમનું ભવ્ય રિહર્સલ યોજાયું હતું. આ રિહર્સલ દરમિયાન પોલીસ પરેડ, સાહસિક કરતબો અને વિવિધ દળોની તૈયારીઓનું સુક્ષ્મ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પોલીસ રિહર્સલના મુખ્ય આકર્ષણરૂપે પરેડ કમાન્ડર શ્રી વિકાસ યાદવ (IPS) તથા સેકન્ડ પરેડ કમાન્ડર શ્રી ડી.એન. અંગારીના નેતૃત્વ હેઠળ વિવિધ ૨૨ જેટલી પ્લાટુનોએ સંપૂર્ણ શિસ્ત અને સમન્વય સાથે ભવ્ય માર્ચ પાસ્ટ રજૂ કરી હતી. આ પરેડમાં પોલીસ દળોની શિસ્ત અને તાલીમનું ઉત્તમ પ્રદર્શન જોવા મળ્યું હતું.
આ રિહર્સલ દરમિયાન ગુજરાત પોલીસની વિવિધ પાંખો દ્વારા રોમાંચક અને સાહસિક કરતબો રજૂ કરવામાં આવ્યા હતા. મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા આયોજિત એરોબિક્સ ઇવેન્ટમાં ‘આઇ લવ થરાદ’ તથા ‘૧૧૨ જનરક્ષક’ જેવી આકૃતિઓ રચાઈ હતી, જે દર્શકો માટે વિશેષ આકર્ષણ બની હતી. ઉપરાંત, પોલીસ લાઇનના બાળકો દ્વારા જીમ્નાસ્ટિક તથા રોપ મલખમના સુંદર પ્રદર્શન કરવામાં આવ્યા હતા.
પોલીસ જવાનો દ્વારા રજૂ કરાયેલ મોટરસાયકલ સ્ટંટ શોએ દર્શકોને રોમાંચિત કર્યા હતા, જ્યારે અશ્વ દળ દ્વારા ઐતિહાસિક ટેન્ટ પેગીંગના દિલધડક પ્રદર્શનથી પરેડ ગ્રાઉન્ડમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો. રાજ્યના ગૌરવ સમાન પોલીસ શ્વાનદળ દ્વારા ઓબીડીયન્સ તથા વિવિધ હેરતઅંગેજ કરતબો રજૂ કરીને પોતાની વફાદારી, ક્ષમતા અને ઉચ્ચ સ્તરની તાલીમનું ઉત્તમ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રિહર્સલના અંતે બેસ્ટ પ્લાટુનને ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.
સમગ્ર પરેડ કાર્યક્રમમાં ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, વન વિભાગની મહિલા પ્લાટુન તેમજ અન્ય સુરક્ષા દળો સહિત કુલ ૮૧૦ જેટલા જવાનો ઉત્સાહભેર જોડાયા હતા. આ સમગ્ર પોલીસ રિહર્સલ અને કાર્યક્રમોની તૈયારીઓ નોડલ અધિકારી તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી વિજયસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ દ્વારા સુચારુ રીતે કરવામાં આવી છે.





