
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
તાજેતરમાં સુરત જિલ્લાનાં માંડવીનાં તડકેશ્વરમાં સર્જાયેલા ટાંકી કાંડની ઘટના બાદ હવે સરકારી તંત્રની બેદરકારી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં વડામથક આહવા ખાતે આવેલી તાલુકા પંચાયત કચેરી હાલમાં મરણતોલ હાલતમાં છે.અંદાજીત 75 વર્ષથી પણ વધુ જૂનુ આ ભવન ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી સ્થિતિમાં હોવા છતાં, અહીં કર્મચારીઓ અને સામાન્ય જનતા જીવના જોખમે અવરજવર કરી કામ કરી રહ્યા છે.આહવા તાલુકા પંચાયતનું મકાન અડધી સદી કરતા જૂનુ હોવાથી અત્યંત જર્જરિત બની ગયુ છે.કચેરીની અંદર છત પરથી સ્લેબના પોપડા અવારનવાર ઉખડીને નીચે પડે છે. મકાનના પાયા અને મજબૂતી આપતા બીમમાં પણ મોટી તિરાડો પડી ગઈ છે. ચોમાસા દરમિયાન કે સામાન્ય દિવસોમાં પણ અહીં કામ કરતા કર્મચારીઓના માથે સતત મોતનો ડર ભમતો રહે છે.આહવા તાલુકાના અંતરિયાળ 100 જેટલા ગામોમાંથી રોજબરોજ સેંકડો લોકો, વિવિધ ગામોના સરપંચો અને તાલુકા સદસ્યો પોતાના વહીવટી કામો માટે અહીં આવે છે.આટલી મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોવા છતાં વહીવટી તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે, “જો કોઈ દુર્ઘટના સર્જાશે અને જાનહાનિ થશે, તો તેની જવાબદારી કોણ લેશે? શું સરકાર માત્ર તપાસના આદેશો આપીને સંતોષ માનશે?”માત્ર મુલાકાતીઓ જ નહીં, પણ અહીં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ ફફડાટ અનુભવી રહ્યા છે. કચેરીમાં બેસીને ફાઈલો પર કામ કરતી વખતે ક્યારે ઉપરથી છતનો ભાગ નીચે પડશે તે નક્કી હોતું નથી. અરજદારો જ્યારે કચેરીમાં આવે છે ત્યારે જર્જરિત છત જોઈને ભયભીત થઈ જાય છે.આ ગંભીર પરિસ્થિતિ અંગે જ્યારે આહવા તાલુકા વિકાસ અધિકારી (TDO) આર.બી. ચૌધરીનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જણાવ્યું હતું કે, “તાલુકા પંચાયતનું નવું ભવન બનાવવા માટેની દરખાસ્ત મંજૂર થઈ ચૂકી છે અને હાલમાં આ કામ ઇ-ટેન્ડરિંગની પ્રક્રિયા હેઠળ છે.”તંત્ર ભલે ટેન્ડર પ્રક્રિયાની વાતો કરતું હોય, પરંતુ જમીની હકીકત એ છે કે જર્જરિત ભવનમાં બેસવું એ ‘મોતના કૂવા’માં ઉતરવા સમાન છે. સ્થાનિક લોકોની માગ છે કે નવી બિલ્ડિંગ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અથવા યુદ્ધના ધોરણે નવા ભવનનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવે નહીંતર કોઈ ક દિવસે આહવા તાલુકા પંચાયતનું ભવન પતાની માફક તડકેશ્વર ટાંકીને જેમ ધરાશયી થઈ જશે જેમાં કોઈ નવાઈ નથી.અને તડકેશ્વર ટાંકી જેમ અહી કોઈ દુર્ઘટના અહીં ન દોહરાય તે માટે તંત્ર વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવે તે જરૂરી છે..





