ભરૂચમાં ઇકો કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ, “સી” ડિવિઝન પોલીસે બે આરોપીઓ ઝડપ્યા, રૂ.7 લાખનો મુદ્દામાલ રિકવર


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ શહેરમાં ઇકો કાર ચોરીના વધતા બનાવો વચ્ચે “સી” ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે. શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી ઇકો કારોની ચોરી કરનાર શાતિર ગેંગનો પર્દાફાશ કરી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે અને તેમની પાસેથી અંદાજે રૂ.7 લાખ જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ શહેર ઉપરાંત નબીપુર અને પાલેજ વિસ્તારમાં પાર્ક કરેલી ઇકો કારોની ચોરીના અનેક બનાવો બન્યા હતા, જેના કારણે વાહન માલિકોમાં ભયની લાગણી ફેલાઈ હતી. આ અંગે અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં ફરિયાદો નોંધાતાં પોલીસ તંત્ર સક્રિય બન્યું હતું.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ “સી” ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમે સઘન તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે વસીમ ઈરફાનભાઈ મલિક અને રિયાઝખાન શકિલખાન પઠાણ બન્ને રહે.નવી નગરી, પાલેજની ધરપકડ કરી હતી.
પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી ૩ ઇકો કાર તેમજ એક છુટી પાડેલ ઇકો કાર અને એક બર્ગમેન મોપેડ સહીત કુલ રૂ.7 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.
આ મામલે ભરૂચ “સી” ડિવિઝન, નબીપુર તથા પાલેજ પોલીસ સ્ટેશનોમાં BNS કલમ 303(2) હેઠળ ગુનાઓ નોંધાયા છે. આરોપીઓની પૂછપરછ દરમિયાન વધુ ચોરીના બનાવોના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.




