
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુસીબતના સમયે આશીર્વાદરૂપ બનતું ‘આયુષ્માન કાર્ડ’ : સાડાઉના મહિલાને ભુજની અદાણી હોસ્પિટલમાં મળી શ્રેષ્ઠ અને નિઃશુલ્ક સારવાર
રતાડીયા,તા.23: સરકારી હોસ્પિટલ એટલે ગંદકી અને અપૂરતી સુવિધા – લોકોના મનમાં ઘર કરી ગયેલી આ માન્યતાને કચ્છની જિલ્લા સરકારી જી.કે. જનરલ (અદાણી) હોસ્પિટલે ખોટી સાબિત કરી છે. મુંદરા તાલુકાના સાડાઉ ગામના ડાહીબેન મહેશ્વરી માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત મળતું ‘આયુષ્માન કાર્ડ’ સાચા અર્થમાં સંકટ સમયની સાંકળ સાબિત થયું હતું.
સાડાઉ ગામના રહેવાસી ડાહીબેન ભુજ તાલુકાના નારાણપર ગામે એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. ત્યાં અચાનક ચક્કર આવતા તેઓ પડી ગયા હતા જેના કારણે તેમના જમણા હાથે ગંભીર ઇજા પહોંચી હતી. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને ભુજની જિલ્લા સરકારી અદાણી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત આયુષ્માન કાર્ડ દ્વારા તેમની સંપૂર્ણ સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી.
આ સફળ સારવાર બાદ આરોગ્ય સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠક્કરએ ડાહીબેનની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડાહીબેને પોતાનો સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “સામાન્ય રીતે લોકો સરકારી હોસ્પિટલમાં જતા ખચકાય છે, પરંતુ અહીંની સારવાર કોઈ પણ ખાનગી હોસ્પિટલ જેવી જ શ્રેષ્ઠ છે. આયુષ્માન કાર્ડને હોવાને કારણે નિદાન અને સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું.”
ડાહીબેને વધુમાં જણાવ્યું કે હોસ્પિટલમાં ચાર દિવસના રોકાણ દરમિયાન ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફનો સ્વભાવ ખૂબ જ સહાયરૂપ રહ્યો હતો. હોસ્પિટલની સ્વચ્છતા, આરામદાયક સગવડ, સમતોલ પૌષ્ટિક આહાર અને તમામ દવાઓ મફત મળવાથી તેમને ઘણી રાહત થઈ હતી.
પોતાના સુખદ અનુભવ પરથી ડાહીબેને દરેક પરિવારને અપીલ કરી છે કે આયુષ્માન કાર્ડ અચૂક કઢાવી લેવું જોઈએ કારણ કે ઇમરજન્સીના સમયે તે આર્થિક રીતે મોટો ટેકો બને છે. તેમણે લોકોને કોઈ પણ ડર રાખ્યા વિના સરકારી હોસ્પિટલની સુવિધાઓનો લાભ લેવા પણ પ્રોત્સાહિત કર્યા હતા.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




