
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ ‘આયુષ્માન કાર્ડ’ : મુંદરાના ગેલડા ગામના મુમતાજબેન માટે સરકારની યોજના બની જીવનરક્ષક
રતાડીયા,તા.23 : ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો પર જ્યારે અચાનક આરોગ્ય સંબંધી મોટી આફત આવે છે ત્યારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત મળતું ‘આયુષ્માન કાર્ડ’ ખરા અર્થમાં સહારો બને છે. આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો મુંદરા તાલુકાના ગેલડા ગામે જોવા મળ્યો છે જ્યાં આયુષ્માન કાર્ડને કારણે એક ગંભીર બીમારીનો સામનો કરી રહેલા દર્દીને નવી જિંદગીની આશા મળી છે.
ગેલડા ગામના મધ્યમ વર્ગીય પરિવારના સભ્ય મુમતાજબેન ખલીફાને છાતીમાં દુખાવો ઉપડતા તપાસ દરમિયાન હૃદયની નળીમાં ગંભીર બ્લોકેજ જણાયું હતું. ડૉક્ટરોએ તાત્કાલિક ઓપરેશનની સલાહ આપી પરંતુ 2 થી 3 લાખનો જંગી ખર્ચ સામાન્ય પરિવાર માટે પહાડ જેવો હતો. આયુષ્માન કાર્ડ મેળવવાના પ્રયત્નોમાં 15 દિવસ સુધી ટેકનિકલ ખામીને લીધે નિષ્ફળતા મળતા પરિવાર ઘેરી ચિંતામાં ડૂબ્યો હતો.
આખરે મુંદરા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. યોગેન્દ્ર પ્રસાદ મહતોના માર્ગદર્શન હેઠળ તાલુકાના નોડલ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ડૉ. હસનઅલી આગરીયાએ તમામ પ્રયત્નો કરી ગણતરીના કલાકોમાં જ કાર્ડ બનાવીને એપ્રુવ કરાવી આપ્યું હતું. પોતાના હાથમાં આયુષ્માન કાર્ડ આવતા જ મુમતાજબેનની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા. તેમણે આ મુશ્કેલ સમયમાં સતત સાથે રહેનાર આશા કાર્યકર જશુબા સતુભા જાડેજા અને આરોગ્ય કાર્યકર લાલજીભાઈ સાકરીયાનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
————————-
આયુષ્માન કાર્ડ કોણ અને કેવી રીતે કઢાવી શકે?
તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. યોગેન્દ્ર પ્રસાદે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સરકારની આ યોજના હેઠળ કુટુંબ દીઠ વાર્ષિક ₹10 લાખ સુધીની વિનામૂલ્યે સારવાર મળે છે. જે લોકો પાસે NFSA (સસ્તા અનાજ) નું રાશનકાર્ડ છે, જેઓ 70 વર્ષથી વધુ વયના છે અથવા જેઓ આવકના દાખલાના આધારે પાત્રતા ધરાવે છે તે તમામ લોકો તાલુકાના 42 આયુષ્માન આરોગ્ય મંદિર અને 8 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર જઈ આ કાર્ડ કઢાવી શકે છે.
————————-
મુમતાજબેનનો આ કિસ્સો એ વાતની પ્રતીતિ કરાવે છે કે ગમે તેવી ઘોર અંધારી રાત જેવી મુસીબત બાદ પણ જ્યારે સરકારી યોજનાનો સાથ મળે છે ત્યારે સુખનો સૂરજ ચોક્કસ ઉગે છે. 15 દિવસથી ચિંતાના અંધકારમાં ઘેરાયેલા આ પરિવાર માટે આયુષ્માન કાર્ડ આશાનું કિરણ બનીને આવ્યું છે. હવે તેઓ અમદાવાદની ખ્યાતનામ હોસ્પિટલમાં વિનામૂલ્યે હૃદયનું ઓપરેશન કરાવી શકશે. આમ વહીવટી તંત્રની સજાગતા અને સરકારની કલ્યાણકારી યોજનાઓના સમન્વયથી ગરીબ પરિવારોના જીવનમાં ફરી એકવાર ખુશીઓનો પ્રકાશ રેલાયો છે.

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




