Rajkot: એક કદમ માનવતા કી ઓર શાપર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના ટી.બી.ના ૩૦ જરૂરિયાતમંદ દર્દીઓને પોષણ કિટનું વિતરણ

તા.૨૩/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
દર્દીઓને દવાની સાથેસાથે પૌષ્ટિક આહાર લેવા બાબતે ભાર મૂકાયો
Rajkot: ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાનને સાકાર કરવાના ઉમદા હેતુથી ‘એક કદમ માનવતા કી ઓર’ના સૂત્ર સાથે રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા લાયન્સ ક્લબ ઓફ રાજકોટ પ્રાઈડના સહયોગથી પોષણ કિટ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગત તા. ૨૨ જાન્યુઆરીના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળાના હસ્તે શાપર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારના ૩૦ જેટલા ટી.બી.ના જરૂરિયાતમંદ દર્દીઓને નિક્ષય મિત્ર બનીને પોષણ આહાર કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ દર્દીઓને નિયમિત સારવાર લેવા અને મક્કમ મનોબળ સાથે ટી.બી.થી મુક્ત થવા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પોરબંદર જિલ્લાના અધ્યક્ષ શ્રી નિધિબેન મોઢવાડિયાએ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. પોતે ‘ટી.બી. ચેમ્પિયન’ હોવાથી તેમણે દર્દીઓ સાથે વ્યક્તિગત અનુભવો વહેંચી, તેમનો આત્મવિશ્વાસ વધાર્યો હતો. કાર્યક્રમ દરમિયાન ‘ટી.બી. હારેગા, દેશ જીતેગા’ના સૂત્રોચ્ચાર સાથે સૌએ સાથે મળીને ભારતને ટી.બી. મુક્ત બનાવવાનો સંકલ્પ લીધો હતો. ક્લબના આગેવાનોએ દર્દીઓને દવાની સાથેસાથે પૌષ્ટિક આહાર લેવા બાબતે ભાર આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે,પોષણક્ષમ આહારની કિટમાં મગ, ચણા, મઠ, સોયાબીન, રાજમા, પંચરત્ન દાળ, મગદાળ, ચણાદાળ, તુવેરદાળ, ચોળા, ચોખા, સીંગદાણા, ખજૂર, ગોળ અને દાળિયા જેવા ધાન્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તકે રાજકોટ જિલ્લા ક્ષય કેન્દ્રના સ્ટાફે લોકોને પણ ક્ષયમુક્ત ભારતના સેવાયજ્ઞમાં જોડાવવા માટે ટી.બી.ના દર્દીઓને પોષણ કીટ આપીને નિક્ષય મિત્ર બનવા માટે અનુરોધ કર્યો હતો.







