
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મોડાસામાં – મેઘરજના ગ્રામ્ય વિસ્તારની અજાણી મહિલાને આશ્રય આપીને ૧૮૧ મહિલા અભયમ ટીમે માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની એક મહિલાને પતિ સાથે વહેમના કારણે ઝઘડો થતાં પતિએ ઘરેથી કાઢી મૂકતા મહિલા મોડાસા શહેરમાં આવી પહોંચી હતી. મોડી રાત્રે બજાર વિસ્તારમાં એકલી અને ભયભીત હાલતમાં રસ્તા પર ફરતી મહિલાને જોઈ જાગૃત નાગરિકે ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન પર કોલ કર્યો હતો.કોલ મળતા જ ૧૮૧ અભયમ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને મહિલાને શોધી કાઢી હતી. ટીમ દ્વારા મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક માહિતી મેળવી હતી. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે મહિલા મેઘરજ તાલુકાની રહેવાસી છે અને પતિ સાથેના ઘરેલુ વિવાદના કારણે તેને ઘરેથી કાઢી મુકવામાં આવી હતી.૧૮૧ મહિલા હેલ્પલાઇનના કાઉન્સિલર મનીષાબેન મકવાણાએ જણાવ્યું કે મહિલાને સમજાવીને ઘરે પરત જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ મહિલાએ ઘરે જવાની ના પાડી હતી. જેથી જરૂરી કાર્યવાહી અંતર્ગત નજીકના પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરી મહિલાને સુરક્ષિત સ્થળે આશ્રય આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન મહિલાઓને સુરક્ષા પૂરી પાડવામાં તથા ઘરેલુ હિંસા રોકવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. અરવલ્લી જિલ્લામાં અજાણી મહિલાને સમયસર સહાય અને આશ્રય આપીને ૧૮૧ મહિલા અભયમ ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.





