DEDIAPADAGUJARATNARMADA

આગામી તારીખ ૧૫ થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન દેવમોગરા ખાતે ભવ્ય મેળો યોજાશે

આગામી તારીખ ૧૫ થી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન દેવમોગરા ખાતે ભવ્ય મેળો યોજાશે

 

તાહિર મેમણ- ડેડીયાપાડા- 24/01/2026 – ડેડીયાપાડા આદિવાસી સમાજના કૂળદેવી પાંડુરી માતા (યાહા મોગી માતા) મંદિર, દેવમોગરા ખાતે યોજાનાર મહાશિવરાત્રીના પાંચ દિવસીય મેળાના આયોજન સંદર્ભે દેડિયાપાડાના પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડેની અધ્યક્ષતામાં મંદિર પરિસરમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

 

બેઠકમાં મહાશિવરાત્રી મેળા દરમિયાન આવનાર લાખો શ્રદ્ધાળુઓને સુવ્યવસ્થિત અને સલામત રીતે દર્શન સુલભ બને તે હેતુથી વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને પોલીસ બંદોબસ્ત, ટ્રાફિક મેનેજમેન્ટ, એસ.ટી. બસોની વ્યવસ્થા, પાર્કિંગની સુવિધા, શ્રદ્ધાળુઓ માટે પૂરતા પ્રમાણમાં પીવાના પાણીની ઉપલબ્ધતા, પાંચ દિવસના મેળા દરમિયાન સ્વચ્છતા જળવાઈ રહે તે બાબત, આરોગ્ય સેવાઓની વ્યવસ્થા તેમજ મંદિર પરિસર સહિત અન્ય મહત્વપૂર્ણ સ્થળોએ સીસીટીવી કેમેરા સ્થાપિત કરવાની બાબતો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

 

બેઠક પૂર્ણ થયા બાદ પ્રાંત અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ દ્વારા પાર્કિંગ સ્થળો અને બાયપાસ માર્ગનું સ્થળ પર જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, દેવમોગરા ખાતે મહાશિવરાત્રીનો આ પ્રસિદ્ધ મેળો તારીખ ૧૫મી થી ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન યોજાનાર છે. આદિવાસી સમાજના કૂળદેવી યાહા મોગી માતાના દરબારમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે.

 

આ વર્ષે પાંચ દિવસીય મેળા દરમિયાન અંદાજે ૧૦ થી ૧૨ લાખ શ્રદ્ધાળુઓ આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ જરૂરી સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તે માટે વ્યાપક તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.

 

આ બેઠકમાં પોલીસ વિભાગના અધિકારીઓ, દેવમોગરા માઈ મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી તથા ટ્રસ્ટના સભ્યો, ગ્રામપંચાયતના સરપંચશ્રી તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!