AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં સતત બીજા દિવસે વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ઓચિંતા પલટો જોવા મળ્યો છે. સતત બીજા દિવસે આકાશ વાદળછાયુ રહેતા અને ઠંડા પવનો ફૂંકાતા સમગ્ર જિલ્લામાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.એક તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, તો બીજી તરફ આ કમોસમી ફેરફારને કારણે સ્થાનિક ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સહિત વઘઈ, સુબિર અને સાપુતારા પંથકમાં વાદળછાયા વાતાવરણને કારણે ‘માવઠા’ (કમોસમી વરસાદ)ની શક્યતા પ્રબળ બની છે.અત્યારે ખેતરોમાં પાકની લણણી ચાલી રહી છે, તો કેટલાક વિસ્તારોમાં રવિ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે.જો વરસાદ પડે તો તૈયાર પાક પલળી જવાની અને ગુણવત્તા બગડવાની ભીતિ છે.પશુઓ માટે સંગ્રહિત કરવામાં આવેલું સૂકું ઘાસ પણ પલળી જવાથી નુકસાન થવાની સંભાવના છે.જો આ સમયે વરસાદ પડે તો આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળે તેમ છે. ત્યારે પાકને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની મથામણ ખેડૂતો કરી રહ્યા છે.બદલાયેલા હવામાનની સિક્કાની બીજી બાજુ પર્યટન ક્ષેત્રે જોવા મળી રહી છે.ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા અત્યારે ‘મિની કાશ્મીર’ જેવો અહેસાસ કરાવી રહ્યું છે.વહેલી સવારથી જ સાપુતારાના ડુંગરો વાદળોની ચાદરમાં લપેટાયેલા જોવા મળે છે.વાતાવરણ ખુશનુમા બનતા જ સહેલાણીઓ સાપુતારા તરફ વળ્યા છે. પ્રવાસીઓ બોટિંગ, સનસેટ પોઈન્ટ પર આ આહલાદક નજારાનો આનંદ માણી રહ્યા છે.હવામાનમાં આવેલા આ અચાનક પલટા અને વાદળછાયા વાતાવરણને કારણે ડબલ સીઝન (ઠંડી અને ભેજ)નો અનુભવ થઈ રહ્યો છે. આરોગ્ય નિષ્ણાતોએ આ સમયે વાયરલ ઇન્ફેક્શન, શરદી અને ઉધરસથી બચવા માટે ખાસ કરીને બાળકો અને વૃદ્ધોને સાવચેત રહેવાની સલાહ આપી છે. હવે જોવાનું એ રહે છે કે કુદરત ખેડૂતોની ચિંતા હરે છે કે પછી માવઠું મુસીબત બનીને વરસે છે…

Back to top button
error: Content is protected !!