MORBIMORBI CITY / TALUKO

મોરબીને રૂ. ૧૦૪૨ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ આપતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ

"કવોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં તેવા મંત્ર સાથે મોરબીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ સુદ્રઢ કરવા સરકાર તત્પર"

 

“૨૦૧૩માં અસ્તિત્વમાં આવેલો મોરબી જિલ્લો આજે “વિકસિત ગુજરાત”ની આધારશીલા બન્યો છે”
……………
“દેશના ૮૦ ટકા સિરામિક ઉત્પાદન સાથે મોરબીએ ગુજરાતને વિશ્વ કક્ષાએ ગૌરવ અપાવ્યું છે”
……………
૦ :: ૦૦૦ :: ૦
મુખ્યમંત્રીશ્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં મહાનગરપાલિકાના શહેરી વિકાસના રૂ. ૫૨૮ કરોડથી વધુના ૭૬ કામો અને રોડ રસ્તા સહિતના વહીવટી તંત્રના રૂ. ૫૧૪ કરોડથી વધુના ૨૦૮ વિકાસ કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાયું
૦ :: ૦૦૦ :: ૦
માહિતી મોરબી, તા. ૨૪ જાન્યુઆરી
ગુજરાતની વિકાસયાત્રાને નવી ઊંચાઈએ લઈ જવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોરબી જિલ્લાના પ્રજાજનોની સુખાકારીમાં વધારો કરતી રૂ. ૧૦૪૨ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. ‘વિકસિત મોરબી’ના નિર્માણને બમણો વેગ આપવાના ઉમદા આશય સાથે આયોજિત આ ગરિમાપૂર્ણ સમારોહમાં મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે મોરબી મહાનગરપાલિકાના શહેરી વિકાસના કામો સાથે અદ્યતન રોડ-રસ્તા અને માળખાકીય સુવિધાઓના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના રૂ. ૧૦૪૨ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ ધરતા ગૌરવભેર જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ૨૦૧૩માં અસ્તિત્વમાં આવેલો મોરબી જિલ્લો આજે વિકસિત ગુજરાતની આધારશીલા બની રહ્યો છે. ૭૭માં પ્રજાસત્તાક પર્વના પૂર્વાર્ધે મોરબી મહાનગરપાલિકા અને જિલ્લાને મળેલી આ ભેટથી ઉત્તમ કનેક્ટિવિટી અને જનસુખાકારીનો નવો અધ્યાય લખાયો છે. ભારતના સૌથી સુદ્રઢ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ધરાવતા રાજ્ય તરીકે ગુજરાતે જે ગૌરવ મેળવ્યું છે તેમાં મોરબીની પણ મહત્વની ભૂમિકા છે. અગાઉ આખા વિભાગના બજેટ જેટલી રકમ હોતી, તેટલી રકમના કામો આજે એકલા મોરબી જિલ્લાને મળી રહ્યા છે.
દેશના ૮૦ ટકા સિરામિક ઉત્પાદન સાથે ઔદ્યોગિક ક્ષેત્રે મોરબીનું નેતૃત્વ ‘આત્મનિર્ભર ભારત’નું શ્રેષ્ઠ પ્રતિક છે, તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, મોરબીના ઉદ્યોગો એક મોટી તાકાત છે. ગ્લોબલ કોમ્પિટિશનમાં જ્યારે મોરબી આગળ વધી રહ્યું છે ત્યારે અહીં રોડ-રસ્તા સહિતની તમામ માળખાગત સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા અને ઉત્તમ કનેક્ટિવિટી માળખું ઊભું કરવા સરકાર તત્પર છે. વિકાસ કામોમાં કવોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઈઝ નહીં એવો મંત્ર સરકારનો હંમેશા નિર્ધાર રહ્યો છે.
આત્મનિર્ભર અને વિકસિત ભારતની લીડ જ્યારે ગુજરાતે લેવાની છે, ત્યારે આત્મનિર્ભર ગુજરાત અને વિકસિત ગુજરાતના સ્વપ્ન સાકાર કરવા જનભાગીદારી સાથે વહીવટી તંત્ર અને ઉદ્યોગોના સહિયારા પ્રયાસો અનિવાર્ય છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં મોરબીનો આ અવિરત વિકાસ પથ નિર્ણાયક સાબિત થશે તેવો દ્રઢ વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
એક વર્ષમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલા કામોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આગામી સમયમાં મોરબીને મળવા જઈ રહેલા ઉમિયા સર્કલ પરનો અત્યાધુનિક બ્રિજ, કેનાલ કંડ્યુટ (બોક્સ કેનાલ) પ્રોજેક્ટ, પાનેલી તળાવ આધારિત ૨૫ એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, મણીમંદિર અને ગ્રીન ટાવર જેવા ઐતિહાસિક સ્મારકોનું ડેકોરેટિવ લાઇટિંગ, તેમજ પાણી પુરવઠા વિભાગની ૯૦ ગામોને પીવાના પાણીની સુલભતા કરાવતી યોજના સહિતના કામોથી મોરબી શહેર વધુ સુવિધાસભર અને સુગમ બનશે.
વડાપ્રધાનશ્રીના ભવિષ્યલક્ષી વિઝનનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે આપણે પણ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાને રાખી આયોજનો કરવા જોઈએ. સૌરાષ્ટ્ર પાણીની કિંમત બહુ સારી રીતે જાણે છે, ત્યારે વરસાદી પાણીના સંગ્રહ માટે ‘કેચ ધ રેઇન’ અભિયાનની સફળતા માટે જાગૃતિ અને લોક સહકાર અનિવાર્ય છે. વધુમાં, તેમણે સ્વચ્છતા ઉપર વિશેષ ભાર મૂકતા સૌને સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો હતો.
મોરબી પ્રભારી મંત્રીશ્રી ત્રિકમ છાંગાએ જણાવ્યું હતું કે, નાનું એવું નગર મોરબી વિકાસના પથ પર હરણફાળ ભરી આજે મહાનગર બન્યું છે ત્યારે મોરબીને મહાનગરપાલિકાની ભેટ આપવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલનો આભાર માનું છું. રાજકોટ ખાતે યોજાયેલ રીજીયોનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મોરબી રાજકોટ અને જામનગર આ ત્રિવેણી સંગમના ઔદ્યોગ વિકાસનું જે સ્વપ્ન મેં સેવ્યું હતો તે સાકાર થઈ રહ્યું છે. તેમાં મોરબી ઔદ્યોગિક હબ તરીકે ઉભરી આવ્યું છે. સરકારની પ્રોત્સાહક નીતિ જરૂરી માળખાગત સુવિધાઓ અને વહીવટી તંત્રના સહકારના સમન્વય સાથે ઔદ્યોગિક વિકાસની સાથે મોરબીનો સર્વાંગિક વિકાસ થઈ રહ્યો છે.
રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, સરકાર મોરબીને જનકલ્યાણના અનેક કામો આપવા સતત તત્પર છે ત્યારે મોરબીને વિકાસ કામોની ભેટ આપવા અહીં પધારેલા મુખ્યમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ સરકાર વિકાસની સરકાર છે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં મોરબીમાં અનેકવિધ વિકાસ કામો આકાર લઈ રહ્યા છે. મોરબી શહેરમાં પાયલ રોડ રસ્તા બાગ બગીચા સહિતની વિકાસના કામોની ખૂટતી કડીઓ ઉમેરવા અમે સતત પ્રયત્નશીલ છીએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબીમાં ૧૦ લાખ વૃક્ષો સાથેનું નમોવન નિર્માણ પામ્યું છે જે મહત્વનું પ્રયત્ન સ્થળ બનશે.
સ્વાગત પ્રવચન અને કરતા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, ગત ચોમાસામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને થયેલા નુકસાનના પગલે ૧૦ હજાર કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરી મોરબીના ખેડૂતોને ૪૦૮ કરોડની માતબાર સહાય આપવા આભાર વ્યક્ત કર્યો હતો. મોરબીના સર્વાંગી વિકાસ માટે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ ના મંત્ર સાથે વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ છે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.
આભાર વિધિમાં મોરબી મહાનગરપાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરેએ વિકાસના તમામ કામો ઝડપી અને ગુણવત્તાયુક્ત થાય તે માટે મોરબી મહાનગરપાલિકા અને વહીવટી તંત્ર કટિબધ્ધ છે તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી, ધારાસભ્ય સર્વશ્રી જીતુભાઈ સોમાણી, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા, શ્રી પ્રકાશભાઈ વરમોરા, શ્રી મેઘજીભાઈ ચાવડા, પૂર્વ સાંસદશ્રી મોહનભાઈ કુંડારિયા, પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા અને જયંતીભાઈ કવાડિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એન.એસ. ગઢવી, અગ્રણી શ્રી જયંતીભાઈ રાજકોટિયા, શ્રી જયંતીભાઈ ભાડેસીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
……………….
બોક્સ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે સંપન્ન થયેલા વિવિધ વિભાગોના વિકાસ પ્રકલ્પોની ઝલક:
• કુલ રૂ. ૪૩૯.૪૬ કરોડના ખર્ચે ૧૫૪ કામોનું લોકાર્પણ અને રૂ. ૬૦૩.૨૫ કરોડના ૧૩૦ કામો મળી કુલ રૂ. ૧૦૪૨.૭૧ કરોડના ૨૮૪ કામો મોરબીને અર્પણ
• મોરબી મહાનગરપાલિકાના વિકાસ કામો (રૂ. ૫૨૮.૩૪ કરોડ): ટ્રાફિક નિયમન માટે ઉમિયા સર્કલ પર ભવ્ય ઓવરબ્રિજનું નિર્માણ, શહેરમાંથી પસાર થતી કેનાલને કોન્ડ્યુટ (બોક્સ) કરવાનું મહત્વનું કાર્ય, મણીમંદિર અને ગ્રીન ટાવર જેવી ઐતિહાસિક વિરાસતો પર આધુનિક ડેકોરેટિવ લાઇટિંગ, મહાનગરપાલિકાની નવી મુખ્ય ઓફિસ તથા વેસ્ટ ઝોન ઓફિસનું નિર્માણ અને રોડ-રસ્તા અને ડ્રેનેજ લાઈન સહિત કુલ ૭૬ વિકાસ કામો દ્વારા શહેરી સુખાકારીમાં વધારો.
• માર્ગ અને મકાન વિભાગ – સ્ટેટ (રૂ. ૩૮૮ કરોડથી વધુ): મોરબી ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરમાં પરિવહન સુગમ બનાવવા પેકેજ-૧ અને ૨ અંતર્ગત મોરબી-હળવદ તથા મોરબી-જેતપર રોડ સહિતના કુલ ૪૫ કામો દ્વારા ઔદ્યોગિક કનેક્ટિવિટી મજબૂત બનશે.
• માર્ગ અને મકાન વિભાગ – પંચાયત (રૂ. ૭૧.૪૫ કરોડ): ગ્રામ્ય માર્ગો તથા જિલ્લાના મુખ્ય માર્ગોને જોડતા રસ્તાઓ, કોઝવે અને નાના બ્રિજ સહિતના કુલ ૪૪ વિકાસ કામો જનતાને અર્પણ.
• એસ.ટી. નિગમ અને પરિવહન (રૂ. ૬.૬૧ કરોડ): મુસાફરોની સુવિધા અને એસ.ટી. સેવાઓના સુચારુ સંચાલન માટે અદ્યતન ડેપો વર્કશોપનું નિર્માણ.
• આરોગ્ય અને સુખાકારી (રૂ. ૬.૫૦ કરોડ): ગ્રામીણ સ્તરે શ્રેષ્ઠ સારવાર માટે ૧ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, ૭ પેટા આરોગ્ય કેન્દ્રો તથા ૧ આયુર્વેદ દવાખાનાનું નિર્માણ.
• પાણી પુરવઠા યોજના (રૂ. ૨૨.૭૭ કરોડ): ૯૦ ગામોને પીવાના શુદ્ધ પાણીની સુરક્ષા પૂરી પાડતી ‘મોરબી-માળિયા-જોડીયા સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના’.
• અન્ય વિભાગોની સિદ્ધિઓ (રૂ. ૩.૩૭ કરોડથી વધુ): જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા સિંચાઇ વિભાગ હસ્તકના કુલ ૯ મહત્વપૂર્ણ વિકાસલક્ષી કામો.

Back to top button
error: Content is protected !!