
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુરના ટીસ્કી ગામે સોલાર કંપનીની મનમાની.!!!
લણણીના ૧૫ દિવસ પહેલાં ૧૬ વીઘાના ઊભા રવી પાક પર જેસીબી ફળી વળ્યું
માલપુર તાલુકાના ટીસ્કી ગામે સોલાર કંપની દ્વારા ખેડૂતના તૈયાર ઊભા પાક પર જેસીબી ફેરવી દેવાતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ટીસ્કી ગામે જુનિયર ગ્રીન એનર્જી લિમિટેડ નામની સોલાર કંપનીને જમીનના મૂળ માલિકે લીઝ પર જમીન આપી હતી. પરંતુ જમીનમાથી ખેતી કરતા ખેડૂતોની સંમતિ વિના કંપની દ્વારા ઉભા પાકનો સફાયો કરાતા ભારે વિવાદ સર્જાયો છે.ગામના જયંતિભાઈ શંકરભાઈ પટેલ અને કનુભાઈ શંકરભાઈ પટેલ છેલ્લા ૧૯૮૫ થી આ જમીનમાં ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. હાલ રવી પાકમાં ૧૬ વીઘા જમીનમાં એરંડાનો પાક સંપૂર્ણ તૈયાર હાલતમાં હતો અને લણણીને માત્ર ૧૫ દિવસ બાકી હતા, જ્યારે ઘઉંનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું.આ દરમિયાન સોલાર કંપનીના કર્મચારીઓએ જમીન લીઝ પર લીધી હોવાનું જણાવી જેસીબી મશીન દ્વારા તૈયાર ઊભા પાકને ફરી વળી સંપૂર્ણ રીતે નાબૂદ કરી દીધો હતો. અચાનક થયેલી આ કાર્યવાહીથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું છે. સાથે જ ખેત મજૂરો માટે રોજગાર ગુમાવવાની સ્થિતિ ઊભી થઈ છે.
ઘટનાને લઈને ખેડૂતો દ્વારા સોલાર કંપનીએ મનમાની કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે ખેડૂતોએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી યોગ્ય ન્યાય તેમજ થયેલા નુકસાનની ભરપાઈ કરવાની માંગ કરી છે.




