
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના બેડજ ગામમાં ગ્રામિણ મહિલાઓ આત્મનિર્ભર બનતી :- વાંસકામની વિનામૂલ્યે તાલીમમાં સખી મંડળની ૩૦ જેટલી બહેનો જોડાઈ
મેઘરજ તાલુકાના બેડજ ગામમાં ગ્રામિણ મહિલાઓ પોતાના પગ પર ઊભી રહી આત્મનિર્ભર બને તે હેતુસર વાંસકામની વિશેષ વિનામૂલ્યે તાલીમ યોજાઈ રહી છે. ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા આયોજિત આ તાલીમમાં ગામની સખી મંડળોની બહેનો ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહી છે.આ તાલીમમાં બેડજ ગામની જયશ્રી લક્ષ્મિમાં સખી મંડળ, જય આસાપુરા માં સખી મંડળ, રોશની સખી મંડળ તથા સંગમ સખી મંડળની કુલ ૩૦ જેટલી મહિલાઓ જોડાઈ છે
બેડજ ગ્રુપ ગ્રામ પંચાયત, મિશન મંગલમ તથા રિલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.તાલીમ દરમિયાન મહિલાઓને વાંસમાંથી ફોટોફ્રેમ, મોબાઈલ સ્ટેન્ડ, મોબાઈલ બોક્સ, કોલગેટ બોક્સ, દિવાલ માટેના વોલપીસ, ફુલદાની સહિત વિવિધ ઉપયોગી તથા વેચાણયોગ્ય વસ્તુઓ બનાવવાની પ્રાયોગિક તાલીમ આપવામાં આવી રહી છે. છેલ્લા બે માસથી બારિયા દિલીપકુમાર, પટેલ રાજેશકુમાર અને શૈલેદ્રસિંહ દ્વારા આ તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે.તાલીમ પૂર્ણ થયા બાદ બહેનોને રૂ. ૯,૦૦૦/-ની ટાઈપિંગ સહાય સાથે કારીગર કાર્ડ તથા પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) પણ આપવામાં આવશે. આ તાલીમ ગ્રામિણ મહિલાઓ માટે આવકના નવા અવસરો સર્જી તેમને આત્મનિર્ભર બનવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.






