GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: શહેરી વિકાસ સુશાસન પર્વ અંતર્ગત નવસારીમાં પ્રથમ ફ્લાવર શોનું ઉદ્ઘાટન કરાવતા જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

{ફ્લાવર શો માત્ર ફૂલોની પ્રદર્શની નથી પરંતુ સરકારના  સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું   પ્રતીક છે.} – જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ

*૯૫ હજારથી વધુ ફૂલોથી ‘નવસારી’ શબ્દની આકૃતિ : નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ*

*નવસારીના સૌંદર્યમાં ઉમેરો કરતી ફૂલોની અદભુત પ્રદર્શની ૧૦ લાખથી વધુ પ્લાન્ટ્સ સાથે પ્રથમ ફ્લાવર શો*

શહેરી વિકાસ પર્વ ૨૦૨૫-૨૬ સુશાસન પર્વની થીમ હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા આજ રોજ નવસારી શહેરમાં પ્રથમ વખત આયોજિત ભવ્ય ફ્લાવર શોનું ઉદ્ઘાટન  લુન્સીકુઇ મેદાન ખાતે  કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટિલના વરદ હસ્તે  કરવામાં આવ્યું . આ પ્રસંગે આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ વિશેષ  ઉપસ્થિત રહ્યા હતા.જળ શક્તિ મંત્રી સી.આર. પાટિલે આ પ્રસંગે જણાવ્યું કે, સુશાસન પર્વ અંતર્ગત આયોજિત નવસારીનો પ્રથમ ફ્લાવર  શો સરકારની વિકાસલક્ષી અને નાગરિક કેન્દ્રિત વિચારધારાનો ઉત્તમ ઉદાહરણ છે. પર્યાવરણ સંરક્ષણ અને નાગરિકોમાં સકારાત્મક વિચારધારા વિકસે તે દિશામાં આવા કાર્યક્રમો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નવસારી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલુ આ આયોજન ખરા અર્થ માં પ્રશંસનીય છે. શહેરમાં  આયોજિત પ્રથમ ફ્લાવર શો માત્ર ફૂલોની પ્રદર્શની નથી પરંતુ  સરકારના  સુશાસન, વિકાસ અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત પ્રતીક છે. આવનારા સમયમાં પણ આવા નવતર અને જનહિતલક્ષી કાર્યક્રમો દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વેગ મળશે  તેવું જણાવ્યું હતું .નવસારી ફ્લાવર શોમાં ૯૫,૦૦૦થી વધુ ફૂલોનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલ “નવસારી” શબ્દની વિશાળ ફૂલ આકૃતિને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયો છે. આ ઐતિહાસિક સિદ્ધિ નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે નોંધાઈ છે, જેનાથી નવસારી શહેરને  વિશેષ ઓળખ મળી છે. આ સિદ્ધિ બદલ મંત્રીશ્રી  સી.આર.પાટીલે  મહાનગરપાલિકાના વહીવટી તંત્ર તથા નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા

ફ્લાવર શોનું આયોજન માત્ર સૌંદર્ય પ્રદર્શન પૂરતું સીમિત ન રહેતાં પર્યાવરણ જાગૃતિ, હરિત સંસ્કૃતિ અને સ્વચ્છ શહેરની કલ્પનાને પ્રોત્સાહન આપતું સાબિત થયું છે. શહેરના નાગરિકોમાં ફૂલછોડ અને વૃક્ષારોપણ પ્રત્યે રસ વધે તે હેતુથી આ ફ્લાવર શો  સુશાસન પર્વની ભાવનાને વધુ સશક્ત બનાવે છે. નવસારી મહાનગરપાલિકા દ્વારા સુવ્યવસ્થિત આયોજન, આધુનિક ડિઝાઇન અને કલાત્મક આયોજનથી તૈયાર કરાયેલ આ ફ્લાવર શોમાં  મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ અને પર્યટકો ફ્લાવર શોની મુલાકાત લઈ આ પ્રથમ ફ્લાવર શોને યાદગાર બનાવવા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ , જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ , નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે , મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરશ્રી દેવ ચૌધરી,જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા , વાંસદા પ્રયોજના વહીવટદારશ્રી પ્રણવ વિજયવર્ગીય તથા અધિકારીશ્રી હાજર રહ્યા હતા.

: બોક્ષ આઇટમ :

: ફ્લાવર શો ૨૦૨૬ ની વિશેષતા

નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ફ્લાવર શોમાં ૧૦ લાખથી વધુ વિવિધ પ્રકારના પ્લાન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રદર્શનમાં કુલ ૨૫ જાતના ફ્લાવર ક્રોપ તથા ૪૦થી વધુ અલગ-અલગ રંગોની ફૂલ જાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે મુલાકાતીઓને આકર્ષિત કરશે.

          ફ્લાવર શોમાં દેશ ઉપરાંત અમેરિકા, જાપાન, નેધરલેન્ડ અને જર્મની જેવા વિદેશી દેશોના ફૂલોથી તૈયાર કરાયેલ વિશેષ આકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જે નવસારી માટે એક અનોખું અને ગૌરવભર્યું આકર્ષણ બની રહ્યું છે.

         આ ફ્લાવર શોમાં ફૂલોથી તૈયાર કરાયેલ ૮ ફૂટ બાય ૪૯ ફૂટની વિશાળ ફૂલ દીવાલ પર “નવસારી” લખાણ, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા, ઈસરોનું સ્પેસ રોકેટ, વાઘ , સંસદ ભવન , નવસારીનું ઐતિહાસિક ટાવર સહિતની વિવિધ કલાત્મક આકૃતિઓ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ફ્લાવર શો નવસારી શહેરની સુંદરતા, સર્જનાત્મકતા અને સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતાનો ઉત્તમ દાખલો પૂરું પાડે છે.

Back to top button
error: Content is protected !!