રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સંપન્ન

યુવાન લોકશાહીની ભાવનાને ઉજાગર કરવા ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ પ્રેરણારૂપ બને -રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
……
જિલ્લા ચૂંટણી અધિકારીઓ, મતદાર નોંધણી અધિકારીઓ, સહાયક મતદાર નોંધણી અધિકારીઓ,બુથ લેવલ ઑફિસર્સ સહિત શ્રેષ્ઠ કામગીરી કરનાર ૩૪૫ લોકોને પુરસ્કાર એનાયત
………
સ્પીપા, ગાંધીનગર ખાતે “My india, My vote”થીમ સાથે કાર્યક્રમ યોજાયો
………………….
૧૬ રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પ્રસંગે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ભારતના ગણતંત્ર દિવસના એક દિવસ પહેલા એટલે કે, ૨૫મી જાન્યુઆરી ,૧૯૫૦ના દિવસે ભારતના ચૂંટણી પંચની રચના થઇ તે તારીખથી ચૂંટણીની આ વ્યવસ્થિત પ્રક્રિયાનો પ્રારંભ થયો અને આજે ભારત વિશ્વમાં સૌથી મોટું લોકશાહી તંત્ર છે. તેમા ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સૌ કોઇના પ્રયાસોના કારણે આજે ભારતે એવી ગરીમા પ્રાપ્ત કરી છે, કે વિશ્વના અનેક દેશોના લોકો રાષ્ટ્રની આ ચૂંટણી પ્રક્રિયાનો અભ્યાસ કરવા આવે છે.પાછલા ઘણાં વર્ષોમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા કરાવવામા આવેલી નિષ્પક્ષ, સ્વતંત્ર અને ગરિમાપૂર્ણ ચૂંટણીઓ કરાવી છે તેણે દેશની પ્રતિષ્ઠાને ગૌરવ અપાવ્યું છે.
ગાંધીનગર સ્થિત સરદાર પટેલ ઈન્સ્ટિટ્યુટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન (SPIPA) ખાતે આયોજીત ૧૬મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુલામીની બેડીઓ તોડી લાંબા સમય પછી લોકશાહીની આ સફળ વ્યવસ્થા નિર્માણ માટે આપણા સૌના પૂર્વજોએ બલિદાન આપ્યું છે. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ગુલામી ખુબ જ ખરાબ સ્થિતિ છે, બધી જ વ્યવસ્થાઓ વચ્ચે પણ બેડિઓમાં બંધાયેલી વ્યવસ્થામાં કોઈ પણ જીવને રુચિ નથી હોતી, સુવિધાઓના અભાવમાં જીવન જીવી શકાય છે, પરંતુ બેડીઓમાં બંધાઈને નહીં, આમ જણાવતા રાજ્યપાલશ્રીએ સ્વતંત્રતાનું મૂલ્ય સમજાવ્યું હતું.
આ સાથે જ તેમણે ઉમેર્યું હતું કે,આપણા પૂર્વજોએે બલિદાનો, સંઘર્ષો અને તણાવપૂર્વ પરિસ્થિતિ ભોગવ્યા પછી ભારતને આઝાદી અપાવીને લોકશાહી તંત્રનો મજબૂત પાયો નાખ્યો હતો જેથી ભારતનું લોકતંત્ર કોઈપણ જાતિવાદ, ભેદભાવથી દૂર રહીને સમરસતાના ભાવ સાથે આગળ વધતા લોકશાહીનો સૌને સમાન અધિકાર આપે છે. ગુજરાતમાં ચૂંટણીની આ પ્રક્રિયાને વ્યવસ્થિત કરવા માટે જે પ્રતિબધ્ધતા અને નિષ્ઠાથી ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા સર્વ અધિકારીઓ, કર્મચારીઓએ કાર્ય કર્યું છે, તેમને શુભેચ્છા પાઠવવા સાથે ભારતના ચૂંટણી પંચ અને મુખ્ય નિર્વાચન અધિકારી ગુજરાતને પણ રાજ્યપાલશ્રીએ શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે 18 વર્ષથી મોટી ઉંમરના કોઈપણ વ્યક્તિ ને સ્વતંત્રતા સાથે જીવવાનો અધિકાર છે, આપણે એવા ભારતનું નિર્માણ કરવા પ્રયત્નશીલ રહીશું જેમાં દેશનો દરેક યુવાન લોકશાહીની ભાવનાને ઉજાગર કરવા ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થઈ અન્ય માટે પ્રેરણા રૂપ બની શકે.
આ ઉજવણી દરમિયાન ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રી જ્ઞાનેશ કુમારનો સંદેશ પણ પ્રસારિત કરવામાં આવ્યો હતો.ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરશ્રીએ જણાવ્યું હતું કે, આ દિવસની ઉજવણી મતદાતાઓને સમર્પિત છે, મતદાન પ્રક્રિયાને મતદાતાઓ માટે સરળ, સુદ્રઢ અને પારદર્શક બનાવવા ચૂંટણી વિભાગમાં જોડાયેલા દરેક અધિકારી કર્મચારી સહિત કટિબદ્ધ છે. ઉપરાંત તેમણે આ વર્ષમાં ઇલેક્શન પ્રક્રિયામાં સકારાત્મક બદલાવ લાવવા મહત્વની 30 પહેલ કરી તેને અમલમા મુક્વામા આવી હોવાનું જણાવ્યું હતું. તેમણે શુદ્ધ મતદાતા સૂચિ એ મજબૂત લોકતંત્રનો આધાર હોવાનું જણાવ્યું હતું.
તદુપરાંત તેમણે તાજેતરમાં સંપન્ન થયેલી ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોન્ફ્રન્સ ઓફ ડેમોક્રેસી એન્ડ ઇલેક્શન મેનેજમેન્ટ (IICDEM)ની ભારતે કરેલી અધ્યક્ષતાને તમામ ભરતીયોનું ગૌરવ ગણાવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવો દ્વારા ઉત્તમ કામગીરી કરનાર જિલ્લા ચૂંટણી તંત્રના અધિકારીશ્રીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મતદાર નોંધણી અધિકારી સહિત કુલ ૭ કેટેગરીમાં ૩૪૫ લોકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શાંતિપૂર્ણ અને નૈતિક મતદાનના માધ્યમથી લોકતાંત્રિક મૂલ્યોને જાળવી રાખવા આ અવસરે રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત તમામ લોકોને મતદાર શપથ લેવડાવ્યા હતા.
ભારતના ચૂંટણી પંચ દ્વારા સતત ૧૬મા વર્ષે થનાર રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી “My india, My vote” ની થીમ અને Citizen at the heart of democracy ટેગલાઈન પર કરવામાં આવી છે, ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહીના અમૂલ્યાધિકાર તરીકે પ્રાપ્ત થતા મતાધિકાર અંગે જાગૃતિ કેળવાય અને દેશના તમામ પાત્ર નાગરિકો ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થાય તેવા ઉદ્દેશ સાથે રાજ્યકક્ષાએ અને જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં ભારતના ચૂંટણી પંચના પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર શ્રી એ.કે. જોતિ, રાજ્ય ચૂંટણી પંચના પૂર્વ ચૂંટણી કમિશનર શ્રી સંજય પ્રસાદ, રાજ્ય ચૂંટણી પંચના કમિશનર શ્રી એસ. મુરલીક્રિશ્ન તથા સંયુક્ત મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી ડી .આર. ભમ્મર સહિત ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમ અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી હારીત શુક્લાએ પ્રારંભિક સ્વાગત સંબોધન કર્યું હતું. ગાંધીનગર જિલ્લાના નિવાસી અધિક કલેકટરશ્રી નિશા શર્મા દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્યકક્ષાની ઉજવણીમાં દરેક જિલ્લા અને તાલુકા મથકોએથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીઓ તથા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ અને સામાજીક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.










