AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદમાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી, સમાન મતાધિકાર ભારતની લોકશાહીનો મજબૂત આધાર: કલેક્ટર સુજીત કુમાર

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

અમદાવાદ જિલ્લામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ બિલ્ડિંગ ખાતે જિલ્લા કક્ષાનો ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં લોકશાહીના પર્વની ગૌરવસભર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં અધિકારીઓ, કર્મચારીઓ, યુવા મતદારો અને શિક્ષણ જગતના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પ્રજાસત્તાક દિનની આગોતરી શુભેચ્છાઓ પાઠવતા કલેક્ટર સુજીત કુમારે જણાવ્યું હતું કે વિશ્વના અનેક દેશોમાં મહિલાઓને મતાધિકાર મેળવવા લાંબો સંઘર્ષ કરવો પડ્યો છે, જ્યારે ભારતના બંધારણે શરૂઆતથી જ તમામ નાગરિકોને સમાન મતાધિકાર આપ્યો છે. વૈશ્વિક અસ્થિરતાના માહોલમાં પણ ભારતની લોકશાહી વ્યવસ્થા મજબૂત અને સ્થિર રહી છે, જે દરેક નાગરિક માટે ગૌરવની વાત છે તેમ તેમણે ઉમેર્યું હતું.

યુવા પેઢીને સંબોધતા તેમણે કહ્યું કે મતાધિકાર માત્ર હક્ક નથી, પરંતુ દેશના ભવિષ્યને આકાર આપવાની એક પવિત્ર ફરજ છે. માત્ર મતદાર યાદીમાં નામ નોંધાવવું પૂરતું નથી, પરંતુ કોઈપણ પ્રકારના લોભ, લાલચ કે દબાણ વગર નિર્ભય બની મતદાન કરવું જરૂરી છે. ભૂતકાળમાં આ અધિકાર માટે થયેલા સંઘર્ષને યાદ રાખીને જવાબદાર અને જાગૃત મતદાર બનવાની તેમણે અપીલ કરી હતી.

ચૂંટણી પંચના “No Voter to be Left Behind” મંત્રને ઉજાગર કરતાં કલેક્ટરે જણાવ્યું હતું કે દિવ્યાંગ મતદારો સહિત દરેક નાગરિકને સરળ અને સુલભ મતદાન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ટેકનોલોજીના વધતા ઉપયોગ અને પારદર્શિતાના પગલાંઓના કારણે મતદાન પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે અને મતદાનમાં ભાગીદારીમાં નોંધપાત્ર વધારો થયો છે.

મતદાર યાદી વિશેષ સંક્ષિપ્ત સુધારણા અભિયાન તેમજ અન્ય ચૂંટણી પ્રક્રિયાઓમાં જોડાયેલા BLO અને કર્મયોગીઓની કામગીરીને બિરદાવતા તેમણે જણાવ્યું હતું કે તેમની નિષ્ઠા અને મહેનતના કારણે લોકશાહી વધુ મજબૂત બની રહી છે. તેમણે સૌને રાષ્ટ્રહિતમાં નિર્ભય બની મતદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના લાઈબ્રેરિયન અને યુથ નોડલ ઓફિસર યોગેશ પારેખે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મતદાતા દિવસ લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મહત્વપૂર્ણ અવસર છે. લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ તેમજ મતદાર યાદી સુધારણા જેવી કામગીરીમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓનું યોગદાન પ્રશંસનીય છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ વર્ષની થીમ “મારું ભારત, મારો મત” અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં મતદાર યાદી સુધારણા અભિયાનમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે લોકશાહીને વધુ મજબૂત બનાવવા માટે સૌએ મતદાર શપથ ગ્રહણ કરી હતી.

આ કાર્યક્રમમાં ધંધુકાના મદદનીશ કલેક્ટર વિદ્યાસાગર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, જિલ્લા પુરવઠા અધિકારી દિન્તા કથીરીયા તેમજ જિલ્લા ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ લોકશાહી મૂલ્યોને મજબૂત બનાવવાનો સંદેશ આપતો મહત્વપૂર્ણ અવસર સાબિત થયો હતો.

Back to top button
error: Content is protected !!