Rajkot: મતદાર જાગૃતિમાં નવીન ટેકનોલોજી આધારિત પહેલ માટે બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

તા.૨૫/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
આલેખન: ડૉ સપના ભટ્ટી
મતદાર જાગૃતિમાં રોબોટિક્સનો પહેલો ઐતિહાસિક ઉપયોગ: બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય પુરસ્કાર
ટેકનોલોજીથી લોકશાહી સશક્ત: બોટાદ જિલ્લાને ‘Innovative Voter Awareness’ માટે રાષ્ટ્રીય સન્માન
મતદાર શિક્ષણમાં નવી દિશા; બોટ્રોન પહેલ માટે ગુજરાતમાંથી એકમાત્ર બોટાદ જિલ્લાને રાષ્ટ્રીય સન્માન
માહિતી બ્યુરો, બોટાદ
Rajkot: બોટાદ જિલ્લામાં મતદાર જાગૃતિ માટે અમલમાં મૂકાયેલી અનોખી અને નવીન ટેકનોલોજી આધારિત પહેલ બોટ્રોન (BOTRON)ને 16મા રાષ્ટ્રીય મતદાર દિવસ 25 જાન્યુઆરી, 2026ના અવસરે ‘Innovative Voter Awareness Initiatives’ શ્રેણી હેઠળ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો છે. આ શ્રેણીમાં ગુજરાત રાજ્યમાંથી માત્ર બોટાદ જિલ્લાને આ ગૌરવ પ્રાપ્ત થયું છે.
આજે આ પુરસ્કાર બોટાદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ ડૉ. જિન્સી રોયએ ભારતના માનનીય રાષ્ટ્રપતિ મહોદયા શ્રીમતી દ્રૌપદી મુર્મુના હસ્તે નવી દિલ્હીમાં આયોજિત રાષ્ટ્રીય સમારંભ દરમિયાન સ્વીકાર્યો.
આ રાષ્ટ્રીય સન્માન દ્વારા ભારતમાં ચૂંટણી પ્રક્રિયામાં રોબોટિક્સના પ્રથમ સુવ્યવસ્થિત અને સંરચિત ઉપયોગને માન્યતા આપવામાં આવી છે. આ પહેલનું વિચાર, આયોજન, અમલ તથા સતત દેખરેખ બોટાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યું.
બોટાદ કલેક્ટરશ્રી જીન્સી રોયનો ઉદેશ્ય ડિજિટલ અને રોબોટિક્સના સમન્વયથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને મતદારને વધુ શિક્ષિત કરવાનો તથા અસરકારક અને રસપ્રદ પધ્ધતિથી સર્વસામાન્ય નાગરિકો સુધી પહોંચાવાનો હતો.
મતદાર સંબંધિત માહિતી ચોક્કસ પૂર્વગ્રહમુક્ત અને એકરૂપ રીતે જનમાનસ સુધી પહોંચે તે માટે રોબોટિક્સને યોગ્ય માધ્યમ તરીકે અપનાવીને BOTRON ને બોટાદ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રચાર પ્રસાર માટે મૂકવામાં આવ્યો.
કલેક્ટરશ્રી જીન્સી રોયના સીધા માર્ગદર્શન હેઠળ બોટ્રોનનું ડિઝાઇનિંગ, પ્રોગ્રામિંગ અને ક્ષેત્રીય સ્તરે તેનું અમલીકરણ કરવામાં આવ્યું. રોબોટમાં ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત અને મંજૂર કરાયેલા સંદેશાઓ જેમ કે મતદાર નોંધણી, મતદાર યાદી સુધારણા, નૈતિક મતદાન અને ચૂંટણી કાર્યક્રમ અંગેની માહિતી સમાવિષ્ટ કરવામાં આવી. વધુમાં વધુ નાગરિકો સુધી પહોંચ સુનિશ્ચિત થાય તે માટે ઉચ્ચ અવર જવરવાળા જાહેર સ્થળોએ વ્યૂહાત્મક રીતે બોટ્રોનની રજૂઆત કરવામાં આવી હતી.
આ તકે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે કલેક્ટર દ્વારા બોટ્રોનની ક્ષેત્રસ્તરની કામગીરી તથા નાગરિક પ્રતિસાદની નિયમિત સમીક્ષા કરવામાં આવતી હતી. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર મતદારો, યુવાનો અને શહેરી વિસ્તારના નાગરિકોમાં આ પહેલે નોંધપાત્ર જાગૃતિ અને રસ પેદા કર્યો હતો. પરિણામે પરંપરાગત માનવ સંસાધન આધારિત જાગૃતિ ફેલાવનાર પ્રવૃત્તિઓ પરનો આધાર ઘટ્યો હતો અને મતદાન પ્રત્યે જન ભાગીદારીમાં વધારો થયો.
ચૂંટણી સત્તાવાળાઓએ નોંધ્યું છે કે બોટ્રોન પહેલ એનું ઉત્તમ ઉદાહરણ છે કે જિલ્લા સ્તરે વહીવટી નેતૃત્વ અને આધુનિક ટેકનોલોજીનું સંયોજન લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી શકે છે. આ રાષ્ટ્રીય પુરસ્કારથી બોટાદ જિલ્લાનું મોડલ સમગ્ર દેશમાં ટેકનોલોજી આધારિત મતદાર જાગૃતિ માટે અનુસરણ યોગ્ય શ્રેષ્ઠ પ્રથા તરીકે સ્થાપિત થશે.





