
જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે ૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી દેશભક્તિ સભર માહોલમાં સંપન્ન થઈ હતી. કેશોદ શ્રી આદર્શ નિવાસી શાળા ખાતે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા ના હસ્તે કરવામાં આવ્યું હતું. ધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન જિલ્લા કલેકટર શ્રી એ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે પરેડ નું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ જિલ્લાના નાગરિકોને પ્રસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, આજથી ૭૭ વર્ષ પહેલાં પ્રજાસત્તાક ભારત દેશનું બંધારણ ઘડવામાં આવ્યું હતું. આપણા બંધારણમાં કલ્યાણ રાજ્યની સ્થાપનાનો ઉદ્દેશ રહેલા છે. આ શ્રેષ્ઠ બંધારણ થકી ભારતની પ્રજાસત્તાક લોકશાહી સુદ્રઢ બની છે. ઉત્તમ બંધારણના પરિણામે આપણો દેશ સુરાજ્યના નિર્માણ થકી આગળ વધ્યો છે. આ આપણું ગૌરવ છે.તેમણે વધુમાં કહ્યું કે એક જવાબદાર નાગરિક તરીકે આપણે આપણા કર્તવ્યનું પાલન કરી અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની આપણી ફરજ છે.તેમણે નાગરિકોને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને જાગૃત કરી તેને રચનાત્મક વિકાસની દિશામાં કામે લગાડી સહિયારા પુરુષાર્થ દ્વારા સર્વાંગી પરિવર્તન સાધવા જણાવ્યું હતું. તેમણે સ્વરાજ્યથી સુરાજ્યની યાત્રાને સાચા અર્થમાં સાકાર કરવા અને આજે ૭૭ મા પ્રજાસત્તાક પર્વ પર સ્વતંત્ર ભારતના જવાબદાર નાગરિક તરીકેની આપણી ભૂમિકા નિભાવી અને રાષ્ટ્રને નવી ઊંચાઈ પર લઈ જવા આહવાન કર્યું હતું.આ પ્રસંગે તેમણે આરઝી હકુમતની લડાઈનો પણ ઉલ્લેખ કર્યો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાએ તેનો ભવ્ય વારસો વર્તમાન સમયમાં પણ જાળવીને વિકાસના પથ પર જિલ્લો અગ્રેસર રહ્યો છે. પ્રવાસન,કૃષિ , આધ્યાત્મિકતા, શિક્ષણ એમ દરેક ક્ષેત્રે જૂનાગઢ જિલ્લાએ વિકાસના નવા ચિન્હો પ્રસ્થાપિત કર્યા છે.કલેક્ટરશ્રીએ વધુમા કહ્યુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ ફરી આપણું કેશોદ એરપોર્ટ પુન ધમધમતો થવા જઈ રહ્યું છે.આશરે રૂપિયા ૩૬૩ કરોડના માતબર ખર્ચે કેશોદ એરપોર્ટ ની નવી સુવિધાઓનું મોટાપાયે વિસ્તરણ થવા જઈ રહ્યું છે. કેશોદ એરપોર્ટ મુસાફરી કરવા માંગતા યાત્રિકોને વધુ સુવિધા મળશે. તેમજ કેરી, ઘઉં, સોયાબીન સહિતની પેદાશોને હવાઈ સેવા મારફતે એક્સપર્ટ કરવા નવી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવનાર છે. કેશોદમાં જ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી રૂપિયા ૧૦.૧૨ કરોડના ખર્ચે જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશન બનાવવાનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે.કલેક્ટરશ્રીએ કેન્દ્ર રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની જૂનાગઢ જિલ્લામાં થયેલી અમલવારીની કાર્યસિદ્ધિ પણ રજૂ કરી હતી.જેમાં આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, ઓક્ટોબર માસમાં થયેલ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાની નો સામનો કરવા જાહેર કરાયેલ કૃષિ રાહત પેકેજ, બહેનોને આર્થિક સશક્તિકરણ માટે સ્વ સહાય જૂથની રચના, કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ, વહાલી દિકરી યોજના, નમો શ્રી યોજના, ઈશ્રમ કાર્ડ, આરોગ્ય, શિક્ષણ વિભાગની વિવિધ યોજના, પ્રાકૃતિક કૃષિ, બાગાયત ક્ષેત્રે લાભાર્થીઓને આપવામાં આવેલી સહાય સહિતની યોજનાઓની સિદ્ધિઓ રજૂ કરી હતી. આ પર્વ નિમિત્તે સરકારની યોજના અંતર્ગત તાલુકાના વિકાસ કાર્યો માટે માટે રૂ.૨૫ લાખનો ચેક કલેકટરશ્રીના હસ્તે કેશોદ પ્રાંત અધિકારીને અર્પણ કરવામાં આવ્યો હતો. તેમજ શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદ થયેલ શાળાઓને પ્રોત્સાહક ઈનામ તરીકે રૂપિયા એક લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં જૂનાગઢ શહેરની સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય, કોલેજ રોડ અને ગ્રામ્યમાં જૂનાગઢની ગર્લ્સ હાઇસ્કુલ મજેવડીને શ્રેષ્ઠ શાળા તરીકે પ્રોત્સાહક ઈનામ તરીકે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. પ્રજાસત્તાક પર્વની પરેડનું નેતૃત્વ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એ.બી.નકુમ એ કર્યું હતું.આ પ્રસંગે વિવિધ વિભાગમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મચારીઓનું સન્માન કલેક્ટરશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ દેશભક્તિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવી હતી.જેમાં પે સેન્ટર શાળા, કેવદ્રા ઉપરાત કેશોદ ખાતેની શ્રી જી.ડી.વી.કન્યા વિદ્યાલય, શ્રી એ.કે.વણપરિયા કન્યા વિનય મંદિર, યુ.કે.વી.મહિલા કોલેજ, પી.વી.એમ.ઇન્ટરનેશનલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળાના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ દર્શનીય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે પ્રાંગણમાં કલકેટર શ્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આ તકે ધારાસભ્ય દેવાભાઈ માલમ,જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલ, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ.બારડ, કેશોદ પ્રાંત અધિકારી સુશ્રી વંદના મકવાણા સહિતના પદાધિકારીઓ અધિકારીઓ, બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ










