BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

હાંસોટ : પ્રાથમિક શાળા સાહોલ ખાતે ૭૭ માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, દીકરીને સલામ દેશને નામ અન્વયે કાર્યક્રમ યોજાયો.

સમીર પટેલ, ભરૂચ

દેશના ૭૭ માં પ્રજાસત્તાક પર્વની સમગ્ર દેશ સાથે હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં આચાર્ય નિલેશભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ ભારે હર્ષોલ્લાસ અને દેશભક્તિ સાથે ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ ગામમાં પ્રભાતફેરીનું આયોજન હાથ ધરાયું હતું જેમાં બાળકોએ દેશભક્તિના નારાં તેમજ સૂત્રોનો સમાવેશ કર્યો હતો.ગામની શાળાના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં દીકરીને સલામ દેશને નામ અન્વયે ગામમાં સૌથી વધુ ભણેલી દીકરી પાયલબેન ગીરીશભાઈ વસાવાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. દીકરીને ટ્રોફી તેમજ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવી હતી. સાથે તેના વાલીને પણ સ્મૃતિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળામાં સમયદાન આપવા બદલ ગામના પરેશભાઈ અંબારામ પટેલ તેમજ કિરણકુમાર લાલુભાઈ પટેલને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા,જેણે ગ્રામજનોના દિલ જીતી લીધા હતા. ​આ પ્રસંગે આયોજિત વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમમાં શાળાના નાના બાળકોએ દેશપ્રેમથી સભર ગીતો રજૂ કરી સામાજિક સંદેશ અને રાષ્ટ્રભક્તિની પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમ દરમિયાન સ્વાગતગીત અને બાળકોના આત્મવિશ્વાસને જોઈને ઉપસ્થિત સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. ​અને બાળકોને પ્રોત્સાહન રૂપે સોગાદ આપી તેઓનો ઉત્સાહ વધાર્યો હતો. કાર્યક્રમમાં સ્વ-બચાવની તાલીમ લીધેલ ધોરણ ૬ થી ૮ ની દીકરીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જાન્યુઆરી ૨૦૨૫ થી જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન નવી જન્મેલી દીકરીઓને પુષ્પ આપી વધાવી હતી. આ ઉજવણીમાં ગામના સરપંચ, અગ્રણીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાહોલ ગામના યુવા ધન અને બાળકોમાં રહેલી આ દેશભક્તિ જોઈ સમગ્ર ગામનું વાતાવરણ રાષ્ટ્રીયતાના રંગે રંગાઈ ગયું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક તેજસભાઈ પટેલે કર્યુ હતું. આભારવિધિ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ કરી હતી. વિશેષ ગામના તલાટી નિલેશભાઈ પરમારનો જન્મદિવસ હોવાથી તેઓએ શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને શૈક્ષણિક કીટ પૂરી પાડી હતી.આચાર્ય નિલેશભાઈ સોલંકી, શિક્ષકગણ જયંતિભાઈ, નરેશભાઈ, તેજસભાઈ, જનકભાઈના ટીમવર્કથી કાર્યક્રમને સફળતા અપાવી શક્યા હતા.અંતે સૌને મીઠાઈ વહેંચી કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.

Back to top button
error: Content is protected !!