નવસારી જિલ્લાના ચીખલી ખાતે આન, બાન અને શાન સાથે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતમાં ઉજવણી કરાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
“સુશાસન, આત્મનિર્ભરતા અને વિવિધ વિકાસ કામોથી વિકસિત ભારતના સ્વપ્નને નવી ઊર્જા મળી રહી છે” મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ”
નવસારી જિલ્લાના ચીખલી ખાતે નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જિલ્લા કક્ષાની ૭૭ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી ગુજરાત રાજ્ય સરકારના નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઈની ગૌરવભરી ઉપસ્થિતિમાં આન, બાન અને શાન સાથે હર્ષોલ્લાસપૂર્વક યોજાઈ હતી. રાષ્ટ્રધ્વજ ફરકાવતા સમગ્ર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું.રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ નાણા મંત્રીશ્રી કનુભાઇ દેસાઈએ પ્રેરણાદાયક સંબોધનમાં જણાવ્યું હતું કે, પ્રજાસત્તાક પર્વ માત્ર ઉજવણી નથી, પરંતુ સંવિધાનના મૂલ્યોને આત્મસાત કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરવાનો અવસર છે. તેમણે ઉમેર્યું હતું કે ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સરકાર, સમાજ અને નાગરિક સૌએ સંયુક્ત પ્રયાસો કરવા જરૂરી છે.
મંત્રીશ્રી કનુભાઇ દેસાઈએ દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના દુરંદેશી અને મજબૂત નેતૃત્વને કારણે ભારતે આત્મનિર્ભરતા, ટેકનોલોજી, માનવબળ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને વૈશ્વિક વિશ્વસનીયતા ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે તેમ જણાવ્યું હતું. સાથે જ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના ઊર્જાવાન નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્ય સુશાસન, વિકાસ અને જનકલ્યાણના માર્ગે દ્રઢપણે આગળ વધી રહ્યું હોવાનું જણાવ્યું. મંત્રીશ્રી કનુભાઇ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વસ્થ, સલામત અને સુરક્ષિત ગુજરાતનું નિર્માણ સરકારની પ્રાથમિકતા છે. સાથે, ઔદ્યોગિક અને શહેરી વિકાસ, શિક્ષણ, આરોગ્ય, ઊર્જા, ખેડૂતો, મત્સ્યોધ્યોગ, પર્યટન વિકાસ વિગેરે વિકાસલક્ષી યોજનાઓનો ચિતાર આપ્યો હતો. ઉપરાંત, નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારી અને સુવિધાઓ અર્થે હાથ ધરાયેલ વિવિધ વિકાસ કામોની પણ છણાવટ કરેલ તેમજ, મંત્રીશ્રીએ આ પાવન પ્રસંગે તાજેતરમાં યોજાયેલ સોમનાથ સ્વાભિમાન પર્વ, એકતા યાત્રા, વંદે માતરમ્ ગીતની ઉજવણી, ભગવાન બીરસા મુંડાની જન્મજયંતિ ઉજવણી, અર્નિગ વેલ – લિવિંગ વેલ તથા ગુજરાતના આંગણે આયોજન થનાર કોમનવેલ્થ ગેમ્સ વિશે જણાવી એક ભારત શ્રેષ્ઠ ભારત પર વિશેષ ભાર મૂક્યો હતો. આ પ્રસંગે મંત્રી કનુભાઇ દેસાઈ, જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે તથા મહાનુભાવોના હસ્તે જિલ્લા વહીવટીતંત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, ૧૦૮ ઈમરજન્સી સેવા તેમજ વિવિધ અભિયાનો અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગીઓ અને સંસ્થાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન શાનદાર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાંની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર નૃત્ય, ગીત અને નાટ્ય રજૂઆતો કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં એ.બી. સ્કૂલ ચિખલી, જીવન સાધના હાઇસ્કૂલ ખૂંધ તથા દા.એ. ઇટાલિયા કન્યા શાળા ચિખલીને અનુક્રમે પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમાંકે પુરસ્કૃત કરાયા હતા.
આ ઉપરાંત, વિવિધ વિભાગોની સિદ્ધિઓને ટેબ્લોઝ મારફતે પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં આઇ.સી.ડી.એસ. શાખાને પ્રથમ અને જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળીને દ્વિતીય ક્રમાંકે પુરસ્કૃત કરાયા હતા.
બેન્ડની સુરાવલીઓ સાથે પોલીસ વિભાગની પ્લાટુન્સ દ્વારા શિસ્તબદ્ધ માર્ચપાસ્ટ યોજાઈ હતી. આ અવસરે મંત્રીશ્રીએ વિકાસ કામો માટે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેને અર્પણ કર્યો હતો.
આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઈ, વલસાડ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, નવસારી ધારાસભ્ય શ્રી રાકેશભાઇ દેસાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી વાય.બી. ઝાલા તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ, નાગરિકો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.





