
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ધનસુરાના બુટાલ શીતકેન્દ્ર નજીક ગંભીર અકસ્માત, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે
ધનસુરા તાલુકાના બુટાલ શીતકેન્દ્ર નજીક ધનસુરા–વડાગામ હાઈવે ઉપર આજે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. હાઈવે પાર કરી રહેલા એક રાહદારીને તેજ ગતિએ આવી રહેલી કારના ચાલકે અડફેટે લેતા રાહદારી હવામાં ફંગોળાયો હતો.અકસ્માતની સમગ્ર ઘટના નજીક લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જે ફૂટેજ હાલ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કારની ઝડપ વધુ હોવાના કારણે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો.
અકસ્માત બાદ કાર ડિવાઇડર ઉપર ચઢી ગઈ હતી, જેના કારણે માર્ગ પર થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો તરત જ દોડી આવ્યા અને ઇજાગ્રસ્ત રાહદારીને સારવાર માટે ધનસુરા સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડવામાં આવ્યો હતો.
રાહદારીને ગંભીર ઇજાઓ પહોંચ્યાની માહિતી મળી રહી છે. બનાવ અંગે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે તેમજ સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.





