
રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૭.૦૧.૨૦૨૬ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૫૩૭ સામે ૮૧૪૩૬ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૦૮૮ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૯૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૩૧૯ પોઈન્ટના ઉછાળા સાથે ૮૧૮૫૭ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૨૦૨ સામે ૨૫૨૬૦ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૧૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૩૩૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૮૦ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૩૮૨ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ઈરાન-અમેરિકા પર નજર અને વૈશ્વિક બજારોની ઉથલપાથલ વચ્ચે આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો અને દિવસના અંતે ઉછાળા સાથે બંધ રહ્યું હતું. વિશ્વને અશાંત કરવાના એક પછી એક પગલાં લઈ રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હજુ દાવોસમાં ગ્રીનલેન્ડને બળથી નહીં, સમજાવટથી કબજે કરશે અને યુરોપના દેશો પર હાલ ટેરિફ લાગુ નહીં કરવાનું આશ્વાસન આપ્યા બાદ તુરત હવે ઈરાન-અમેરિકા યુદ્ધના એંધાણ આપતાં આજે સ્થાનિક ઈક્વિટી બજારો દિવસ દરમિયાન ફરી ભયભીત બન્યા હતા.
પરંતુ ત્યારબાદ ભારતીય શેરબજારમાં જોવા મળેલ ઉછાળાનું મુખ્ય કારણ વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો અને દેશના મજબૂત આર્થિક આંકડા રહ્યા હતા. બીજી તરફ સુરક્ષિત રોકાણ વિકલ્પ સોના, ચાંદીના ભાવોમાં ફરી વધારો, EU દેશો સાથે મેગા કરાર થવાના અહેવાલોની અસર તેમજ અમેરિકન-એશિયન માર્કેટ્સમાં મજબૂતી, યુએસ ફેડ તરફથી વ્યાજદર કાપવાની અપેક્ષાઓ, સ્થાનિક રોકાણકારોની ખરીદી અને શોર્ટ કવરિંગના કારણે સ્થાનિક બજારમાં દિવસના અંતે પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, યુએસ-જાપાન સંયુક્ત વિદેશી વિનિમય હસ્તક્ષેપની શક્યતા વચ્ચે અમેરિકન ચલણ સૂચકાંક ઘટતા તેમજ આ અઠવાડિયાના અંતમાં બજારો ફેડરલ રિઝર્વ નીતિના મહત્વપૂર્ણ નિર્ણય માટે તૈયાર રહેતા આજે મંગળવારે શરૂઆતના સોદાઓમાં ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે તેના અત્યાર સુધીના સૌથી નીચા સ્તરથી પાછો ફર્યો હતો. ભારતના વિદેશી વિનિમય અનામતમાં વધારો થતા રૂપિયાની ભાવનામાં વધુ સુધારો થયો હતો.
સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૪% વધીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૦૩% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કન્ઝ્યુમર ડીશક્રિશનરી, એફએમસીજી, હેલ્થકેર, ટેલિકોમ્યુનિકેશન, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૪૮૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૩૪૫ અને વધનારની સંખ્યા ૧૯૪૭ રહી હતી, ૧૯૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે અદાણી પોર્ટ્સ ૪.૪૭%, એક્સીસ બેન્ક ૪.૩૧%, ટાટા સ્ટીલ ૨.૬૪%, ટેક મહિન્દ્રા ૨.૫૮%, એનટીપીસી ૨.૪૮%, સ્ટેટ બેન્ક ૨.૨૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૯૭% અને બીઈએલ ૧.૫૭% વધ્યા હતા, જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૪.૧૯%, કોટક બેન્ક ૩.૧૪%, એશિયન પેઈન્ટ્સ ૨.૮૧%, ઈટર્નલ લિ. ૧.૯૭%, મારુતિ સુઝુકી ૧.૪૮%, આઈટીસી ૧.૪૪%, બજાજ ફાઈનાન્સ ૧.૩૮% અને બજાજ ફિનસર્વ ૧.૨૧% ઘટ્યા હતા.
ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ શેરોમાં લેવાલી, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૨.૧૧ લાખ કરોડ વધીને ૪૫૩.૬૭ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૭ કંપનીઓ વધી અને ૧૩ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વધતી હોવા છતાં ભારતીય શેરબજાર માટે ચિત્ર સંપૂર્ણપણે નકારાત્મક કહી શકાય તેમ નથી. ટ્રમ્પના અચાનક બદલાતા નિવેદનો, ભૂ-રાજકીય તણાવ અને મધ્ય પૂર્વમાં ફરી ઉદ્ભવતા યુદ્ધના ભણકારાંથી વિદેશી બજારો ડામાડોળ છે, તેની અસર રૂપે ભારતીય બજારમાં પણ અસ્થિરતા વધેલી જોવા મળે છે. ખાસ કરીને FII પ્રવાહો ટૂંકા ગાળે સાવચેત બન્યા છે, જેના કારણે બેન્ચમાર્ક સૂચકાંકો ઊંચી સપાટીએ ટકી રહેવામાં મુશ્કેલી અનુભવી શકે છે. તેમ છતાં, ભારતની સ્થાનિક અર્થવ્યવસ્થા મજબૂત છે, કોર્પોરેટ આવકમાં સ્થિરતા છે અને બેન્કિંગ તથા ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં માળખાકીય મજબૂતી યથાવત્ છે. તેથી ઘટાડા દરમિયાન ગુણવત્તાવાળા સ્ટોક્સમાં ખરીદીની તકો ઊભી થવાની શક્યતા નકારી શકાય નહીં, પરંતુ ટૂંકા ગાળે ઉતાવળા નિર્ણયથી બચવું જરૂરી રહેશે.
આગામી અઠવાડિયે રજૂ થનારા કેન્દ્રીય બજેટ પર હવે બજારની મુખ્ય નજર કેન્દ્રિત છે. બજેટમાં રાજકોષીય ઘાટ, મૂડી ખર્ચ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચ, કર રચના અને ગ્રામિણ માંગને લગતી જાહેરાતો બજારની દિશા નક્કી કરશે. જો સરકાર વિકાસલક્ષી અને ખર્ચ વધારનાર અભિગમ જાળવી રાખે તો બજેટ બાદ બજારમાં રાહત રેલી જોવા મળી શકે છે. જોકે, બજેટ સુધી અનિશ્ચિતતાનો દોર ચાલુ રહેવાની સંભાવના હોવાથી મોટા કમિટમેન્ટ કરતાં ધીમે-ધીમે અને પસંદગીયુક્ત રોકાણની વ્યૂહરચના વધુ યોગ્ય રહેશે. ટૂંકા ગાળે અસ્થિરતા, પરંતુ મધ્યમથી લાંબા ગાળે ભારતીય બજાર માટે સકારાત્મક માળખું યથાવત્ છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read and agree Disclaimer and related all the documents carefully before investing, mentioned on www.nikhilbhatt.in



