GUJARAT

લીમખેડા તાલુકાના મોટાહાથીધરામાં ઘરમાં ઘુસી તોડફોડ અને પથ્થરમારો મહિલાને ઇજા, પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી

તા.૨૭.૦૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Limkheda:લીમખેડા તાલુકાના મોટાહાથીધરામાં ઘરમાં ઘુસી તોડફોડ અને પથ્થરમારો મહિલાને ઇજા, પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકી

 

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામે ગઇકાલે રાત્રીના સમયે જૂની અદાવતના કારણે માથાભારે શખ્સોએ એક પરિવારના ઘરમાં ઘુસી ભારે તોડફોડ, પથ્થરમારો અને ગાળો આપી આતંક મચાવ્યાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ફરીયાદી મહિલાને માથાના ભાગે પથ્થર વાગતા ઇજા પહોંચી હતી, જ્યારે સમગ્ર પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લેઆમ ધમકીઓ આપવામાં આવી હતી.ફરીયાદી સવીતાબેન ગલાભાઈ (ઉં.વ. ૫૮) રહે. મોટાહાથીધરા, તા. લીમખેડા દ્વારા લીમખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ, તા.૨૫.૦૧.૨૦૨૬ના રોજ રાત્રીના સમયે લીમખેડા બજારમાં માંડલી ગામના છોકરાઓ સાથે થયેલી બોલાચાલીનો ગુસ્સો રાખી આરોપીઓ મોટરસાઇકલ ઉપર ફરીયાદીના ઘરે પહોંચી આવ્યા હતા. “માંડલી ગામના છોકરાઓ સાથે કેમ ઝઘડો કર્યો?” તેમ કહી ફરીયાદી તથા તેમના પરિવારજનોને માં-બેન સમાણી ગંદી ગાળો આપી બૂમાબૂમ કરતા ઘરમાં ઘુસી ગયા હતા.આરોપીઓએ ઘરના દરવાજા તેમજ ઘરવખરી સરસામાનની ભારે તોડફોડ કરી હતી તેમજ ઘરના નળીયાં ઉપર પથ્થરો ફેંકી નુકસાન પહોંચાડ્યું હતું. એટલું જ નહીં, ઘરના આંગણામાં ઊભા રાખેલા ટ્રેક્ટર ઉપર પણ પથ્થરમારો કરી નુકસાન કરાયું હતું. આ દરમ્યાન પરિવારજનો ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ફરીયાદી સવીતાબેનને માથાના ભાગે પથ્થર વાગતા ઇજા થઈ હતી.ફરીયાદ મુજબ, આરોપીઓ પૈકી એકે ફરીયાદીની વહુને પકડી લેવા બાબતના અપમાનજનક શબ્દો બોલી સ્ત્રીનું અપમાન કર્યું હતું તેમજ સાક્ષી બળવંતભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. ઘટનાથી ભયભીત થયેલા પરિવારજનો જીવ બચાવવા માટે સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.આ બનાવ બાદ ફરીયાદી તથા પરિવારજનો લીમખેડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પોલીસ સ્ટેશન કંપાઉન્ડની બહાર ઉભા રાખેલા ફોરવ્હીલ વાહન તથા મોટરસાઇકલની પણ આરોપીઓ દ્વારા તોડફોડ કરાઈ હોવાનું ફરીયાદમાં જણાવાયું છે.ફરીયાદમાં ચિરાગભાઈ મનુભાઈ શવત, અનીલભાઈ સોમાભાઈ મકવાણા, હરીશભાઈ રાવત, રાકેશભાઈ ચૌહાણ, રમેશભાઈ જોખાભાઈ ચૌહાણ, લખાભાઈ જોખાભાઈ ચૌહાણ, રાકેશભાઈ ચૌહાણ તથા વિપુલભાઈ લખાભાઈ ચૌહાણ (સર્વે રહે. ગામ મોટાહાથીધરા, તા. લીમખેડા, જી. દાહોદ) સામે ગંભીર આક્ષેપો કરાયા છે.ફરીયાદીએ તમામ આરોપીઓને જનૂની તથા માથાભારે ગણાવી પોતાના પરિવારની જાનમાલની સુરક્ષા માટે કાયદેસરની કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ મામલે લીમખેડા પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!