પદ્મશ્રી એવોર્ડ મળ્યાંના બીજા જ દિવસે હાજી રમકડુંનું મતદાર યાદીમાંથી નામ કાઢવા ભાજપ નેતાએ કરી અરજી

જૂનાગઢના હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંને 26 મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે બાદ ભાજપના કોર્પોરેટર દ્વારા હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની અરજી કરતા લોકોમાં આશ્ચર્યમાં મુકાઈ જવા પામ્યા હતા.
દેશ-વિદેશમાં પોતાની કળાને લઈ ગુજરાતને ગૌરવ અપાવનાર કલાકારોના નામ મતદાર યાદીમાંથી કમી થવા મામલે મોટો હોબાળો મચ્યો છે. થોડા સમય પહેલા હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડનું નામ મતદાર યાદીમાંથી કમી થઈ જવા પામ્યું હતું. જૂનાગઢના હાજી કાસમ રાઠોડને તા. 26 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જે બાદ તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની અરજી કરવામાં આવી છે. જૂનાગઢના ભાજપના કોર્પોરેટર દ્વારા ફોર્મ નંબર 7 ભરી હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડુંનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની અરજી કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી.
અરજી કરનાર વોર્ડ નં. 7 ના ભાજપના કોર્પોરેટર સંજયભાઈ મણવરે જણાવ્યું હતું કે, રાઠોડ હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવા માટે સાત નંબરનું ફોર્મ ભર્યું હતું. હાજી કાસમ રાઠોડ ઉર્ફે હાજી રમકડના નામના વ્યક્તિનો દૂરઉપયોગ થતો નથીને એ મામલે સંપૂર્ણ તપાસ કરવામાં આવે જેને લઈ મે અરજી કરી છે.
2026 માટે 45 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાતના 3 મહાનુભાવને પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી છે. જૂનાગઢના મીર હાજીભાઈ કાસમભાઈ ના નામની જાહેરાત કરવામાં આવી છે. જેઓને આવતીકાલે તા. 26 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના હસ્તે મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવશે.
આ બાબતે જૂનાગડના હાજીભાઈ કાસમભાઈએ જણાવ્યું હતું કે, મે શ્યામલાલા વ્યાસ સાથે મારી બે પેઢીએ કામ કર્યું છે. મારા પિતાએ પણ વગાડ્યું છે. શરૂઆત માતા પિતાજીથી થઈ હતી. જે બાદ મારાથી શરૂઆત થઈ હતી. ભીખુદાનભાઈ, લાખાભાઈ જોડે, પ્રફુલ્લભાઈ સહિત તમામ લોકો સાથે મે કામ કર્યું છે. દુનિયામાં કોઈ વસ્તુ મે બાકી નથી મુકી. તેમજ ગાયો માટે પણ મે બઉ પ્રોગ્રામ કર્યા છે. તેમજ મંદિરમાં પણ મે 10 વર્ષ નોકરી કરી છે.
ગુજરાતમાં અનેક જગ્યાએ મે ઘણા ડાયરા કર્યા છે. આજે મને ખૂબ જ ખુશી થઈ રહી છે કે આજે પદ્મશ્રી એવોર્ડ માટે મારૂ નામ મે સાંભળ્યું છે. મારી જિંદગી આખી સફળ થઈ ગઈ છે. મને જે પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. નરેન્દ્રભાઈએ મને જે પદ્મશ્રી એવોર્ડ આપ્યો છે. મારી જિંદગીનું સ્વપ્નું પુરૂ થઈ ગયું છે. વડાપ્રધાને મને ખૂબ જ મોટું ઈનામ આપ્યું છે. વડાપ્રધાને મારી જીંદગી સફળ કરી દીધી છે.





