BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લામાં તંત્ર દ્વારા આજે વહેલી સવારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતની હદમાં આવેલી બાલાપીર–માસુમપીર નામની બે દરગાહોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લામાં તંત્ર દ્વારા આજે વહેલી સવારે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પંચાયતની હદમાં આવેલી બાલાપીર–માસુમપીર નામની બે દરગાહોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવી હતી. સવારે આશરે 4 વાગ્યાના સમયે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના સીટી સેન્ટર સામે આવેલી જિલ્લા પંચાયતના શોપિંગ સંકુલની હદમાં આ બંને દરગાહો આવેલી હતી. જિલ્લા પંચાયત દ્વારા અગાઉ દરગાહના ટ્રસ્ટીઓને જગ્યા ખાલી કરવા અંગે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ બાદ આજે એસડીએમ મનીષા મનાણી, જિલ્લા પંચાયતના અધિકારીઓ, એ.ડિવિઝન પોલીસ મથકના પીઆઈ આર.એમ. વસાવા, બે પીએસઆઈ સહિત 40 પોલીસ કર્મચારીઓ અને 30 હોમગાર્ડ જવાનોની હાજરીમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી.

બે જેસીબી અને ત્રણ ટ્રેક્ટરની મદદથી પહેલા બંને દરગાહોને તોડી પાડવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા પંચાયત દ્વારા અગાઉ નિર્માણ કરાયેલ અને હાલ બંધ હાલતમાં રહેલા 36 દુકાનો ધરાવતા શોપિંગ કોમ્પ્લેક્સને પણ ડિમોલિશ કરવામાં આવ્યો હતો.

ડિમોલેશનની કામગીરી શરૂ થતાં જ દરગાહના ટ્રસ્ટીઓને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચી આવ્યા હતા. ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે દરગાહ વર્ષોથી અહીં આવેલી છે અને આ મુદ્દે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા, જ્યાંથી સ્ટે મળ્યો હતો. જોકે સ્ટેની સમયમર્યાદા પૂર્ણ થતાં હાઈકોર્ટે તેમને નીચલી કોર્ટમાં જવા આદેશ કર્યો હતો અને કાનૂની પ્રક્રિયા હાલ ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.કાનૂની પ્રક્રિયા પૂર્ણ થવા પૂર્વે જ તંત્ર દ્વારા ડિમોલેશન કરાતા ટ્રસ્ટીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. જોકે સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

આ મામલે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયાએ જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતને આત્મનિર્ભર બનાવવા તેમજ જનવિકાસના કામોને વધુ ગતિ આપવા પંચાયતની માલિકીની જમીન પર કોમર્શિયલ બિલ્ડિંગ ઊભા કરવાની યોજના અમલમાં મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટથી પંચાયતને નિયમિત આવક પ્રાપ્ત થશે, જેનો ઉપયોગ વિકાસકાર્યોમાં કરવામાં આવશે.

તેમણે વધુમાં સ્પષ્ટતા કરી હતી કે જે જગ્યા પર દરગાહ આવેલી હતી તે જિલ્લા પંચાયતની માલિકીની શોપિંગ ઝોનમાં આવતી હતી. આ બાબતે સંબંધિત પક્ષને ત્રણ વખત નોટિસ આપી નિયમસર સુનાવણી પણ કરવામાં આવી હતી. છતાં પણ જમીનની માલિકી અંગે કોઈ કાયદેસર પુરાવા રજૂ ન થતાં, કાયદાની પ્રક્રિયા અનુસાર ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!