
બહાર રોજગારી મુદ્દે વિવાદમાં 181 ટીમે બચાવી મહિલાની સુરક્ષા,
વાત્સલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
સાગબારા તાલુકાના એક ગામમાં રહેતી એક મહિલાએ પતિ દ્વારા થતી હેરાનગતિ અને બહાર રોજગારી કરવા માટે રોક લગાવવાના કારણે 181 અભયમ નર્મદા ટીમની મદદ માગી હતી.
મહિલા પોતાના સાસુના કહેવા મુજબ ગામમાં જ અથાણાં-પાપડ બનાવવાની તાલીમ લેવા જતી હતી. આ બાબતની જાણ થતાં મહિલાના પતિએ ખોટી શંકા અને વહેમના આધારે મહિલાને મારવા દંડો લઈને દોડ્યા હતા. પોતાની સુરક્ષા માટે મહિલાએ 181 પર ફોન કરી સહાય માગી હતી.
181 અભયમ ટીમ મહિલાએ જણાવેલ સરનામે તાત્કાલિક પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું કે મહિલા સ્વબચાવ માટે અન્ય એક ઘરે છુપાઈ ગઈ હતી. ટીમ દ્વારા મહિલાને સુરક્ષિત રીતે ઘરે લઈ જવામાં આવી. તે સમયે પતિ હાજર ન હોવાથી તેમને ફોન દ્વારા સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા.
181 ટીમે પતિને કાયદાકીય સમજ આપતાં જણાવ્યું કે મહિલાને કામ કરવા કે તાલીમ લેવા રોકવું કાયદેસર ગુનો છે. તેમજ જો ગામમાં જ રોજગારી મળતી હોય અને પતિ-પત્ની બંને કમાવતા હોય તો તેમાં ખોટું કંઈ નથી તેવી સમજણ આપવામાં આવી હતી.
સમજાવટ બાદ મહિલાના પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તેની ખાતરી આપી. આ રીતે 181 અભયમ નર્મદા ટીમે પતિ-પત્ની વચ્ચે સુમેળભર્યું સમાધાન કરાવી મહત્વપૂર્ણ ભૂમિકા
ભજવી હતી.




