Rajkot: રાજકોટમાં ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાન અન્વયે પરિસંવાદ યોજાયો

તા.૨૮/૧/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
બાળલગ્ન અટકાવવા અને તેના કાયદા વિશે માર્ગદર્શન અપાયું : બાળલગ્ન થતાં જણાય તો બાળલગ્ન પ્રતિબંધક કચેરીને જાણ કરવા અનુરોધ
Rajkot: ભારત સરકારે બાળલગ્નપ્રથાને નાબુદ કરવા માટે ૨૭ નવેમ્બર, ૨૦૨૪ના રોજ ‘બાળલગ્ન મુક્ત ભારત’ અભિયાન શરૂ કર્યું હતું. જેને વેગ આપવા માટે આ અભિયાનની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે ૨૭ નવેમ્બર, ૨૦૨૫થી ૦૮ માર્ચ, ૨૦૨૬ સુધી દેશભરમાં ૧૦૦ દિવસનું વિવિધ થીમ આધારીત અભિયાન શરૂ કરાયું છે. જે અન્વયે રાજકોટ જિલ્લા નશામુક્ત અભિયાન સમિતિ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સહયોગથી બહુમાળી ભવન ખાતે આજ રોજ બાળલગ્ન મુક્ત ભારત અંગે પરિસંવાદ યોજાયો હતો.
આ સેમિનારમાં જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી પ્રાર્થનાબેન સેરસીયાએ બાળલગ્ન મુક્ત ભારત અભિયાન અને ફરજ દરમિયાન થયેલા અનુભવો વિશે જણાવ્યું હતું તથા બાળલગ્ન થતાં જણાય તો બાળલગ્ન પ્રતિબંધક કચેરીને જાણ કરવા અનુરોધ કર્યો હતો. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમની માહિતી આપતાં તેમણે કહ્યું હતું કે બાળલગ્ન માત્ર સામાજિક કુરીતિ નથી, પણ તે કાયદાકીય ગુનો બને છે. તેમજ ઇનચાર્જ જોઇન્ટ કમિશનર ઓફ સ્ટેટ જી.એસ.ટી. શ્રી ક્રિપાલસિંહ ગોહિલે બાળલગ્ન અટકાવવું એ નૈતિક જવાબદારી હોવાની સમજ આપી હતી.
આ અવસરે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ડો. અલ્પેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે સરકાર અને સંગઠન સાથે મળીને બાળલગ્ન અટકાવી શકે છે. બાળલગ્ન અટકાવવા માટે સ્ત્રી સાક્ષરતા ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીનીઓનો સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો ઘટશે, તો બાળકીઓ અભ્યાસમાં આગળ વધશે અને નાની વયમાં લગ્ન થતાં રોકી શકાશે. બાળલગ્નના કાયદાને અટકાયતી, સુરક્ષા અને કાર્યવાહી એમ ત્રણ તબક્કામાં આવરી શકાય. ગુજરાત સરકાર મહિલા સુરક્ષા અર્થે સતત ચિંતિત છે. અભયમ્ જેવી અનેક યોજનાઓ મહિલાઓને સહાયરૂપ બની રહી છે.
આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્યથી આરંભ કરાયા બાદ મંચસ્થ અધિકારીઓને પુસ્તક આપીને, તેમનું અભિવાદન કરાયું હતું. આ તકે પ્રશ્નોત્તરી કરીને બાળલગ્ન વિશે ચર્ચા-પરામર્શ કરાયો હતો. ત્યારબાદ સૌએ બાળલગ્ન અટકાવવાના શપથ ગ્રહણ કર્યા હતા. ચીફ ઓફિસર શ્રી ડો. મિલનભાઈ પંડિતે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ તકે સામાજિક અને શૈક્ષણિક આગેવાનો, લગ્ન પ્રસંગ સંબંધિત હોલ, બેન્ડ, ડીજે, કેટરર્સ, બ્યુટી પાર્લરના સંચાલકો ઉપસ્થિત રહ્યાં હતાં.








