MORBI:મોરબી-કચ્છના વિકાસ માટે પૂર્વ કિસાન મોરચાના અગ્રણીએ સરકારમાં ધારદાર રજૂઆત

MORBI:મોરબી-કચ્છના વિકાસ માટે પૂર્વ કિસાન મોરચાના અગ્રણીએ સરકારમાં ધારદાર રજૂઆત
મોરબી: મોરબી જિલ્લા ભાજપ કિસાન મોરચાના પૂર્વ ઉપપ્રમુખ અજયભાઈ ઝાલરિયા દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ પદાધિકારીઓ તથા અધિકારીઓને લોકહિતના વિવિધ મુદ્દે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. મોરબી અને કચ્છ સંસદીય વિસ્તારના સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસને વેગ આપવા માટે તેમણે પાંચ મુખ્ય માંગણીઓ સરકાર સમક્ષ મૂકી છે.
કુંતાસી-રાજપરનો પ્રવાસન વિકાસ: મોરબી જિલ્લામાં આવેલી સિંધુ ખીણની સભ્યતાના અંશ સમાન કુંતાસી (રાજપર) ની પ્રાચીન ઐતિહાસિક ધરોહરને ‘બીબાનમાંનો ટીંબો’ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્થળને ગુજરાત ટુરિઝમ બોર્ડ દ્વારા પર્યટન ક્ષેત્ર તરીકે વિકસાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
રેલવે શિપિંગ યાર્ડનું નિર્માણ: મોરબીની સિરામિક ઇન્ડસ્ટ્રીઝ આજે વિશ્વ સ્તરે ડંકો વગાડી રહી છે. આ ઉદ્યોગને વધુ વેગ આપવા માટે મોરબી-2 સિરામિક ઝોનમાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા માટે રેલવે શિપિંગ યાર્ડનું નિર્માણ અત્યંત અનિવાર્ય હોવાનું જણાવાયું છે.કચ્છ સંસદીય વિસ્તારને કેન્દ્રશાસિત દરજ્જો: મોરબી અને કચ્છ જિલ્લાઓ સીમાવર્તી રણ પ્રદેશ અને સમુદ્ર કિનારો ધરાવતા હોવાથી, સુરક્ષા અને વહીવટી સરળતા ખાતર કચ્છ લોકસભા વિસ્તારને કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવિષ્ટ કરવા રજૂઆત કરવામાં આવી છે.
મુંદ્રા-નવલખી રો-રો ફેરી સર્વિસ: કચ્છ અને મોરબી જિલ્લા વચ્ચે સમુદ્રી માર્ગે વેપાર વધારવા અને સાગર ખેડૂતોની સુવિધા માટે મુંદ્રા-કંડલા થી નવલખી પોર્ટ વચ્ચે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવાની માંગણી દોહરાવવામાં આવી છે.
ભારતીય સંસ્કૃતિ આધારિત વિશ્વવિદ્યાલય: ભવિષ્યની પેઢીમાં ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને સ્થાપત્યના મૂલ્યોનું સિંચન થાય તે હેતુથી મોરબીમાં એક ભવ્ય ગ્રાન્ટેડ વિશ્વવિદ્યાલય (યુનિવર્સિટી) સ્થાપવા માટે સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.અજયભાઈ ઝાલરિયાએ આશા વ્યક્ત કરી છે કે સરકાર આ લોકહિતના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવશે, જેથી મોરબી અને કચ્છના વિકાસને નવી દિશા મળી શકે.








