BUSINESSGUJARAT

નિફટી ફ્યુચર ૨૫૩૦૩ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૨૮.૦૧.૨૦૨૬ ના રોજ…

બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૮૧૮૫૭ સામે ૮૧૮૯૨ પોઈન્ટના મથાળેથી ખુલીને ૮૧૮૧૪ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૬૮૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૮૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૨૩૪૪ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૫૩૮૨ સામે ૨૫૪૩૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૨૫૩૦૦ પોઈન્ટના નીચા મથાળેથી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૯૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૭ પોઈન્ટના ઉછાળા સાથે ૨૫૪૫૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…

ભારત અને યુરોપીય યુનિયન (ઈયુ) વચ્ચે ૧૯ વર્ષ બાદ ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડિલ થતાં બન્ને વચ્ચે દ્વીપક્ષી વેપારમાં જંગી વધારો થવાની અપેક્ષા અને ભારત માટે નિકાસના નવા માર્ગો ખુલવાના પોઝિટીવ પરિબળે આજે સપ્તાહના બીજા કારોબારી દિવસે સેન્સેક્સ, નિફટી બેઝડ ભારતીય શેરબજારમાં ફરી તેજીનો સંચાર થયો હતો.

યુરોપીય યુનિયન સાથે થયેલી વેપાર સંધિ બાદ હવે અમેરિકાનું ભારત પરત્વેનું જક્કી વલણ ઢીલું પડવાની અને ભારત-અમેરિકા વચ્ચે પણ ટ્રેડ ડિલ વાટાઘાટ આગળ વધવાની અપેક્ષાએ પણ ફંડોએ આજે શેરોમાં લેવાલી કરી હતી. અલબત યુરોપના દેશો થકી ભારતમાં ચાઈનીઝ ઓટોમોબાઈલ કંપનીઓની નિકાસોના દ્વાર ખુલવાની અને ભારતના ઉદ્યોગ માટે સ્પર્ધા વધવાની ધારણાએ અને કન્ઝયુમર ડયુરેબલ્સ ક્ષેત્રે પણ હરીફાઈ વધવાની શકયતાએ સ્થાનિક બજારમાં પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો.

કોમોડીટી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક બજારમાં સર્જાયેલી અસ્થિરતા અને વધતી જતી માંગને કારણે કિંમતી ધાતુઓના ભાવમાં આજે અત્યાર સુધીનો સૌથી મોટો અને ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો. ૨૮ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સોનું અને ચાંદી બંનેએ પોતપોતાની નવી સર્વોચ્ચ સપાટી સર કરી હતી. ભારતીય બજારમાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૫૦૦૦થી વધુનો વધારો થયો, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ રૂ.૨૧,૦૦૦થી વધુનો તોતિંગ ઉછાળો નોંધાયો.

આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા ભૌગોલિક તણાવ અને ડૉલરના મૂલ્યમાં ફેરફારને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે. એક જ દિવસમાં સોનામાં અને ચાંદીમાં આ ઉછાળો ઇતિહાસમાં દુર્લભ માનવામાં આવે છે.

સેક્ટર મુવમેન્ટ… બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૧.૬૯% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૮૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને એફએમસીજી સેક્ટરમાં ઘટાડો નોંધાયો હતો, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.

બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૩૮૦ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૩૧૫ અને વધનારની સંખ્યા ૨૯૨૦ રહી હતી, ૧૪૫ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપ્સમાં મુખ્યત્વે બીઈએલ ૮.૯૦%, ઈટર્નલ લિ. ૫.૦૯%, બજાજ ફાઈનાન્સ ૨.૨૦%, પાવર ગ્રીડ ૨.૧૦%, ટ્રેન્ટ લિ. ૧.૯૧%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૬૦% અને અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૪૪% વધ્યા હતા, જ્યારે, એશિયન પેઈન્ટ્સ ૪.૩૪%, મારુતિ સુઝુકી ૨.૩૯%, સન ફાર્મા ૧.૭૮%, ઈન્ફોસીસ લિ. ૧.૦૧%, ભારતી એરટેલ ૦.૮૫%, ટાઈટન કંપની ૦.૬૭% અને હિન્દુસ્તાન યુનીલીવર ૦.૫૬% ઘટ્યા હતા.

ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટી ફ્યુચરમાં ઉછાળા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં લેવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૫.૮૬ લાખ કરોડ વધીને ૪૫૯.૫૩ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૨૨ કંપનીઓ વધી અને ૮ કંપનીઓ ઘટી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ભારતમાં કૃષિ, ઊર્જા, શિક્ષણ, ઉત્પાદન અને આરોગ્યસંભાળ જેવા મુખ્ય ક્ષેત્રોમાં એઆઈ દ્વારા થનારો મોટો મૂલ્યવધારો ભારતીય શેરબજાર માટે લાંબા ગાળે મજબૂત પોઝિટિવ સંકેત આપે છે. ૨૦૩૫ સુધીમાં ૫૫૦ અબજ ડોલર જેટલો મૂલ્ય ઉમેરો થવાની ધારણા એ વાત તરફ ઈશારો કરે છે કે ટેક્નોલોજી આધારિત કંપનીઓ, એગ્રી-ટેક, હેલ્થટેક, એડટેક, ગ્રીન એનર્જી અને ડેટા એનાલિટિક્સ સાથે જોડાયેલી ફર્મોમાં આવનારા વર્ષોમાં મજબૂત વૃદ્ધિ જોવા મળશે, જેનાથી મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં નવી તક સર્જાઈ શકે છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં લેતા નિફ્ટી અને સેન્સેક્સની લાંબા ગાળાની દિશા તેજીની તરફેણમાં રહેવાની સંભાવના મજબૂત બને છે, જો કે વચ્ચે-વચ્ચે વૈશ્વિક પરિસ્થિતિને કારણે કરેકશન આવવાની શક્યતા નકારી શકાતી નથી.

બીજી તરફ, એઆઈ ક્ષેત્રે ભારતનું વૈશ્વિક સ્તરે વધતું મહત્વ અને ઈન્વેસ્ટમેન્ટમાં ક્રમશઃ વધારો શેરબજાર માટે સ્ટ્રક્ચરલ સપોર્ટ પૂરું પાડે છે. હાલ અમેરિકા અને સિંગાપુરની તુલનામાં એઆઈમાં ભારતનું રોકાણ જીડીપીના હિસ્સા પ્રમાણે ઓછું હોવા છતાં, આ જ બાબત ભારત માટે મોટું અપસાઇડ દર્શાવે છે. સરકારની ડિજિટલ ઈન્ડિયા, સ્કિલ ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત નીતિઓ સાથે ખાનગી ક્ષેત્રનું રોકાણ વધશે તો આઈટી, કૅપિટલ ગુડ્સ, પાવર અને મેન્યુફેક્ચરિંગ શેરોમાં નવી તેજી આવવાની સંભાવના છે. ટૂંકા ગાળે બજાર વૈશ્વિક વ્યાજદર, તેલના ભાવ અને જીઓ-પોલિટિકલ ઘટનાઓથી અસ્થિર રહી શકે છે, પરંતુ લાંબા ગાળે ભારતની એઆઈ આધારિત વિકાસ યાત્રા ભારતીય શેરબજારને એક મજબૂત અને ઊભરતા બજાર તરીકે વધુ ઊંચા સ્તરે લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

Back to top button
error: Content is protected !!