UGCના નવા નિયમો પર સુપ્રીમ કોર્ટનો સ્ટે, CJIએ કહ્યું- દુરુપયોગનો ખતરો

કેન્દ્ર સરકારે UGC માટે નવા નિયમો બનાવ્યા છે જેને લઈને દેશભરમાં સવર્ણ સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપમાં જ કેટલાક નેતાઓ ખૂલીને નવા નિયમોનો વિરોધ કરી રહ્યા છે. એવામાં આજે દેશની સર્વોચ્ચ અદાલતમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. જે બાદ સુપ્રીમ કોર્ટે આ નિયમો પર રોક લગાવી છે.
ચીફ જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું કે યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને તેના દુરુપયોગનો ખતરો વધારે છે. સુનાવણી બાદ કોર્ટે નવા નિયમો પર સ્ટે લગાવ્યો છે. આ મામલે આગામી સુનાવણી 19 માર્ચે થશે.
ચીફ જસ્ટિસ આદેશ આપ્યો કે 2012ના જૂના નિયમો જ ફરી લાગુ કરાશે. નવા નિયમોમાં જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તેનાથી લાગે છે કે તેનો દુરુપયોગ થશે. સુનાવણી દરમિયાન અરજી કરનારા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યું કે, UGCની ધારા 3(C) ગેરબંધારણીય છે. સુનાવણી દરમિયાન દેશના ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, સ્વતંત્રતાના 75 વર્ષ બાદ પણ આ દેશ જાતિઓની જાળમાંથી બહાર નથી આવી શક્યો. સુનાવણી દરમિયાન જસ્ટિસ બાગચીએ કહ્યું કે, આશા રાખું છું કે આપણે અમેરિકા જેવી સ્થિતિમાં ના પહોંચી જઈએ જ્યાં એક સમયે શ્વેત અને અશ્વેત બાળકોએ અલગ અલગ શાળાઓમાં ભણવું પડતું હતું.
સુનાવણી દરમિયાન CJIએ સમાજમાં વધતી જતી વર્ગ અને ઓળખ આધારિત વિભાજનની વૃત્તિઓ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. રેગિંગ પર વાત કરતાં CJIએ કહ્યું કે, રેગિંગમાં સૌથી ખરાબ એ થઈ રહ્યું છે કે દક્ષિણ ભારત કે પૂર્વોત્તરથી આવતા બાળકો પોતાની સંસ્કૃતિ સાથે લાવે છે, અને જે લોકો તે સંસ્કૃતિથી પરિચિત નથી હોતા, તેઓ તેમના પર ટિપ્પણીઓ કરવા લાગે છે. તેમણે વધુમાં કહ્યું કે, આજે આપણા સમાજમાં આંતર-જ્ઞાતિ લગ્નો પણ થઈ રહ્યા છે, અમે પોતે હોસ્ટેલમાં રહ્યા છીએ — જ્યાં બધા લોકો સાથે રહેતા હતા.
CJI સૂર્યકાંતે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, યુજીસીના નવા નિયમો અસ્પષ્ટ છે અને આવી પરિસ્થિતિનો તોફાની તત્ત્વો દ્વારા દુરુપયોગ થઈ શકે છે. તેમણે સોલિસિટર જનરલ તુષાર મહેતાને ટકોર કરતાં કહ્યું કે, કેટલાક પ્રતિષ્ઠિત લોકોની એક સમિતિ બનાવવા પર વિચાર કરો. જે મુદ્દાની સમીક્ષા કરે જેથી સમાજમાં કોઈ પણ પ્રકારના વિભાજન વગર આગળ વધી શકીએ અને સૌનો વિકાસ થાય.
અન્ય એક અરજી કરનારા વકીલે કહ્યું કે, જો હું એક સામાન્ય વર્ગનો વિદ્યાર્થી છું. કૉલેજમાં સિનિયરને મને જોઈને ખબર પડી જશે કે હું ફ્રેશર છું. પછી મારી રેગિંગ થશે. જો તે સિનિયર SC-ST વર્ગનો હશે તો મારે જ કાર્યવાહીનો સામનો કરવો પડશે. મારી પાસે તો કોઈ સહારો નહીં રહે. આગોતરા જામીનનો કોઈ વિકલ્પ નથી, કારણ કે સરકારે પહેલેથી જ કાયદા બદલી નાખ્યા છે. વિદ્યાર્થીનું કરિયર સમાપ્ત થઈ જશે.
કેસની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે તાત્કાલિક ધોરણે આદેશ આપ્યા છે કે જૂના 2012ના જ નિયમો ફરીથી લાગુ કરાશે. જૂના નિયમો નવા નિયમો કરતાં વધુ સંતુલિત છે. સુપ્રીમ કોર્ટે આ મામલે નોટિસ જાહેર કરી છે. આગામી સુનાવણી 19 માર્ચે કરાશે જ્યાં સમિતિની રચના તથા નિયમોની વ્યાખ્યા મુદ્દે આદેશ અપાશે.




